મારા વિશે

પોતા વિષે કાઇ કહેવુ...થોડુ અજીબ તો લાગે જ છે..પણ બહુ થોડા લોકો મને જાણે છે, તેથી આ રિતે પુરા વિશ્વ સમક્ષ પોતા માટે કઇ કહેતા આનન્દ પણ તેટલો જ થાય છે. મારા દાદીમાથી વાર્તાઓ સામ્ભળતા-સામ્ભળતા નાનપણથી જ કલ્પનાઓ કરતા અને તેમા વિહરતા શીખી છુ. આજે પણ મને મારી કાલ્પનિક દુનિયા જ વધારે ગમે છે. જેનો સીધો સમ્બન્ધ મારી આન્તરીક પરિસ્થિતિ સાથે છે. જેમ દરેક વાર્તાનો અન્ત સુખદ હોય છે,તેવી જ રિતે મારા દરેક રસ્તા સુખ તરફ જ જાય છે. આમ હુ ખુબ જ હકારાત્મક વલણ ધરાવુ છુ. ક્યારેક નાની-નાની વાર્તા લખી લઉ છુ, તો ક્યારેક એકાદબે પન્ક્તિ કાવ્યની.. એકાદ વાર તો મારી ટુન્કી વાર્તા સ્પર્ધામા પણ મોક્લાવી છે..જોકે તેનુ મને કોઇ પરિણામ કે પારિતોષિક નથી મળ્યુ,પરન્તુ મારા આત્મવિશ્વાસમા જરુર વધારો થયો છે.. મારા દેશ અને મારા પ્રદેશ પ્રત્યે જરા વધારે પડતી લાગણી ધરાવુ છુ.તેના વિશે કૈ પણ નિષેધક સામ્ભળી નથી શક્તી.મારી ભાષાથી પણ તેટલોજ લગાવ છે.. અસત્ય બોલી નથી શકતી અને સામ્ભળી પણ નથી શકતી. મને ઝરમર વરસાદમા પલળવુ ગમે છે..રાતના અન્ધકારમા તારા જોવા ગમે છે.. "દરીયા કિનારે,વહેલી સવારે મારા પ્રિય લેખકનુ પુસ્તક અને સાથે મારુ પ્રિય સન્ગીત" આ મારી પહેલી અને અન્તિમ પસન્દગી છે..અને એજ મારા સુખની ચરમસીમા છે. જેટલુ મારી પાસે છે તેનાથી વધારેની મારી કોઇ ઇચ્છા કે અપેક્ષા નથી.

21 સપ્ટે, 2010

નિસર્ગગ્રસ્તતા

મન તો કહે છે.."ઉગતી સવારનાં સોનેરી સૂર્યની કૂણી હૂંફાળી કિરણોથી રોમ-રોમમાં
જીવંતતા ભરી લઉ..સધ્યસ્નાતા દેવચકલીની ભીની ફડફડતી પાંખોની બોછારથી
સ્નિગ્ધતા અનૂભવું..તૂલસી ક્યારે દિપજ્યોતે આણેલી પવિત્રતાને ભાવપૂર્વક ગ્રહૂં..!!"

પણ આ નજર સામે અસ્ખલિત વહેતા સમય પ્રવાહનુ શું કરવું?

હંમેશ નિસર્ગગ્રસ્ત રહેતું મન પાછું પડે છે..આ સમયયંત્ર સમક્ષ..
કાર્યરત રહેતું તન અને કુદરતરત રહેતું મન!!!
કુદરત અને કર્મ વચ્ચે રહેતો આ પડદો શુ ક્યારેય છેદી શકાશે???
અનેકાનેક કામ ના બોજા તળે જાણે કુદરતનાં સૌંદર્યથી વિમુખ થઇ જવાયું છે..
આ ખેંચતાણનો અંત આણવાનાં સતત પ્રયત્ન કરું છુ..પણ આ સમયયંત્ર..
પોતાની ગતિની સાથે મારી ગતિ પણ બમણી કરી દે છે..પરંતુ કુદરત તરફની
ઉત્કંઠા અનંત છે..સમયથી છિનવેલી થોડી ક્ષણો આ કુદરતને અર્પણ..

ઉષ્મા

16 સપ્ટે, 2010

મારું ખોવયેલું મોતી

આ નાના-નાના ટૂકડાઓનું સર્જન સમયાંતરે થયા કરે છે.
તેનો સંગ્રહ એકીસાથે અહિં આલેખતી રહિશ.
*********************************************
 
*
એક તારા જ નામની
રેખા-જે મારી હથેળીમા ન હતી..
તેની જ તલાશમાં હું
ઉમ્રભર તરસી,તડપી,
આખરે તું વ્યાપ્યો
...અણુઅણુએ યાદ બની
ત્યાં જ શ્વાસ ઝંપ્યા..
પ્રગટ્યું એક અશ્રુબિંદુ
તારી આંખે
તે જ મારો સફળ જન્મારો..
ઉષ્મા.

*
હાથ અર્પ્યો,હાથ ગ્રહ્યો..
સાથ ઝંખ્યો,સંગાથ રળ્યો..
અનંતતા ચાહિ!!!!
વેરણછેરણ શબ્દ સૌગંદ..
હાથ-સાથ રહ્યો રળઝળ્યો..
બસ આટલી જ તારી આસક્તિ??
હાથ,સાથ મેળવી
અનંત શબ્દથી છળ્યો???
ઉષ્મા.

*
તારા જવાની અસર માત્ર એટલી જ છે..
છવાઇ ગયો છે તું ચોતરફ હવાની જેમ!!
વણરોકાયેલ સ્પંદનો ને વણથંભી યાદોનું..
અવિરત આવાગમન વિસરવું કેમ???
ઉષ્મા.

*
યાદભરી સાંજ તો આથમી જશે ચાલો...
પણ આ બળબળતાં ઝૂરાપાનું શું?
રાત આખી બે કાંઠે જે વહ્યા જ કરે છે..
છિન્નભિન્ન સ્મરણોનાં તરપાનું શું?

ઉષ્મા

8 સપ્ટે, 2010

મારો સજન...

સજન મને ઝૂલો ઝૂલાવે..
આભને આડકવાને આતૂર આ હૈયાને
ફરી ફરી પાછું બોલાવે...સજન મારો ઝૂલો ઝૂલાવે.

પહેલી તે ઠેંસ લેતી પહોચું હું વાદળમાં,
મેઘધનૂ રહેતું જ્યાં લઇ રંગ સાત..
નીલી-પીળી છોળોને આંબવાને જાઉં ત્યાતો..!
રસભરી ધરતી બતાવે...સજન મારો ઝૂલો ઝૂલાવે.

બીજી ઠેંસ લેતાંવેંત તારલીયે પહોચી હું,
એ તો જાણે ટમટમતાં સિંદૂરી સોંણલા..
આ તે કાંઇ તારા? કે છે સજનની આંખળી..!
પ્રિતભરી વાણિ સૂણાવે...સજન મારો ઝૂલો ઝૂલાવે.

ત્રીજી તો ઠેંસે હું ચાંદલીયે પહોંચું છું,
એ તો જાણે મઘમઘતો મોગરાનો ઢગલો..
આ તો એજ મોહકતા! જે મારા સાજનની..!
મદભરી યાદો અપાવે...સજન મારો ઝૂલો ઝૂલાવે.

ઉષ્મા

6 સપ્ટે, 2010

તું આવી શકે..મારા સુધી..

એક છેડેથી બીજા છેડા સુધી
પહોંચવા માટે એક રસ્તો હોય છે...
મારે બીજું કાંઇ નહીં માત્ર તારો રસ્તો બનવું છે..
લીલો-લીલો, હરિયાળો રસ્તો...
જ્યાથી તું આવી શકે..મારા સુધી..હું તારા સુધી.

જો તું ભૂલો પડે તારા રસ્તેથી..તો ઉભો રહી જજે તે જ સ્થાને..
રસ્તો તને લઇ જશે તારા ગંન્તવ્ય સુધી.
ચાલતા ચાલતા થાકી જવાય તારાથી..ઇચ્છા થાય આરામની..
સુઇ જજે નિરાંતે આકાશ ઓઢીને...
હું તારું કવચ બનીને તને સંભાળીશ..

વહેલી સવારે ઉઠ્તાં વેંત નજર કરજે..તારા રસ્તા ઉપર..
ફરકતા ઘાંસની ટોંચ પર,ઝાંકળ બનીને..
મલકાતી જોતી હોઇશ હું તને..

હું સૂરજ હોઇશ..હું પ્રકાશ હોઇશ..
હું તારા સુધી પહોંચવાનો રસ્તો હોઇશ..

તારે એ રસ્તા પર ચાલવું જ પડશે...
એ રસ્તો વ્રુક્ષોથી ઘેરાયેલો..પંખીઓનાં કલરવમાં ખોવાયેલો...
લીલાં-પીળાં સ્વપ્નોમાં આટવાયેલો..
તને લઇ જશે ક્યાંક ને ક્યાંક..જ્યાં તું જવા ચાહતો હોય..
હવે તે રસ્તા પર ચાલ્યા સિવાય છૂટકો જ નથી તારે...
તું યુગોથી ચાલ્યો છે...તે રસ્તેથી
જે રસ્તો પ્રેમનો છે...

ઉષ્મા