મારા વિશે

પોતા વિષે કાઇ કહેવુ...થોડુ અજીબ તો લાગે જ છે..પણ બહુ થોડા લોકો મને જાણે છે, તેથી આ રિતે પુરા વિશ્વ સમક્ષ પોતા માટે કઇ કહેતા આનન્દ પણ તેટલો જ થાય છે. મારા દાદીમાથી વાર્તાઓ સામ્ભળતા-સામ્ભળતા નાનપણથી જ કલ્પનાઓ કરતા અને તેમા વિહરતા શીખી છુ. આજે પણ મને મારી કાલ્પનિક દુનિયા જ વધારે ગમે છે. જેનો સીધો સમ્બન્ધ મારી આન્તરીક પરિસ્થિતિ સાથે છે. જેમ દરેક વાર્તાનો અન્ત સુખદ હોય છે,તેવી જ રિતે મારા દરેક રસ્તા સુખ તરફ જ જાય છે. આમ હુ ખુબ જ હકારાત્મક વલણ ધરાવુ છુ. ક્યારેક નાની-નાની વાર્તા લખી લઉ છુ, તો ક્યારેક એકાદબે પન્ક્તિ કાવ્યની.. એકાદ વાર તો મારી ટુન્કી વાર્તા સ્પર્ધામા પણ મોક્લાવી છે..જોકે તેનુ મને કોઇ પરિણામ કે પારિતોષિક નથી મળ્યુ,પરન્તુ મારા આત્મવિશ્વાસમા જરુર વધારો થયો છે.. મારા દેશ અને મારા પ્રદેશ પ્રત્યે જરા વધારે પડતી લાગણી ધરાવુ છુ.તેના વિશે કૈ પણ નિષેધક સામ્ભળી નથી શક્તી.મારી ભાષાથી પણ તેટલોજ લગાવ છે.. અસત્ય બોલી નથી શકતી અને સામ્ભળી પણ નથી શકતી. મને ઝરમર વરસાદમા પલળવુ ગમે છે..રાતના અન્ધકારમા તારા જોવા ગમે છે.. "દરીયા કિનારે,વહેલી સવારે મારા પ્રિય લેખકનુ પુસ્તક અને સાથે મારુ પ્રિય સન્ગીત" આ મારી પહેલી અને અન્તિમ પસન્દગી છે..અને એજ મારા સુખની ચરમસીમા છે. જેટલુ મારી પાસે છે તેનાથી વધારેની મારી કોઇ ઇચ્છા કે અપેક્ષા નથી.

27 ડિસે, 2010

હાઇકુ સંગ્રહ

    ‎"અકળ ભેદ
   ઉકેલાય પળે જો
    ક્ષણો જીવાય"

  "અહો!માનવ
શીદ વિસ્તારે મને?
    હું તો ક્ષણ"

‎  "હુ સંગ્રહાઉ
 દરેક મનિષામા
  યાદ સ્વરુપે!"

‎ "શીદ વિસારુ?
તારી ગતિ નિરાળી
  તું જીવનમિત્ર."

"અસ્ખ્લિત તે
સરિતા લાગણીની
મર્યાદા કેવી?"  

ઉષ્મા

24 ડિસે, 2010

ભેદ

સાથે "હોવું" અને "રહેવું"-માં ભેદ શો?
એક ચાહત અને એક નિભાવની વાત....
દૂરતા પણ હિલ્લોડે એવી મુગ્ધ પરિસ્થિતિ
અને સમીપતા અકળાવે ભાવની વાત...

અસ્તિત્વ ઓગળતું એકમેકમા એવું
પાસે - પાસેનો ભેદ નિષેધ..
ગુંગળાતી લાગણી ને ચિમળાતી વેદના
ક્ષિતિજેય ના યુગ્માતા સ્વભાવની વાત..

આઠે પહોર એક  વૈશાખી મૌસમ ને
દર્પણમાં ઝિલાતી અનુરાગી ઝલક..
વિખરાયેલ હસ્તી ને આથમતાં શમણા..
વિસ્તરતાં, અતલાન્ત અભાવની વાત..  

ઉષ્મા

2 ડિસે, 2010

શૈલજા (ટૂંકી વાર્તા)

"ડોન્ટ વરી નીરજ..યોર વાઇફ ઇસ પરફેક્ટલી ઓલરાઇટ.કાંઇજ ડરવા જેવું નથી."

શહેરના બેસ્ટ મનોચિકિત્સક મી.ગાલા તેમના મિત્ર નીરજ દિવાનને તેમની પત્નિની માંદગી અંગે સમજાવી રહ્યા.

આ તો એક્જાતનું હોર્મોનલ ડીસઓર્ડર છે.જે દરેક સ્ત્રીનાં જીવનમાંતેમના મોનોપોઝ પિરિયડ દરમ્યાન થવું એક સમાન્ય ઘટના છે.સમાન્ય સ્વભાવ ધરાવતી સ્ત્રી આ ફેરફારો આસાનીથી સહી જાય છે,પરંતુ વધારે લાગણીશીલ અને નબળા મનની સ્ત્રીને આ શારિરીક ફેરફારો સ્વિકારતા થોડો સમય લાગે છે અને તેમનું વર્તન જરા અસમાન્ય બને છે.એક નારીનું સ્વાસ્થ્ય,વર્તન કહોને કે આખું શરિર જ તેના માસિકચક્ર સાથે જોડાયેલું છે,જ્યારે આ ચક્ર બંધ થવાનું હોય ત્યારે આવી સ્થિતિ સર્જાય છે.૪૩-૪૪ વર્ષની ઉંમરે માત્રુત્વક્ષમતા ગુમાવતા તેમનુ મન અને શરિર થોડો સમય માંગી લેશે.તેમને સેટ થતા,આ ફેરફારોને સ્વિકારતા છ મહિના પણ લાગી શકે અને બે વર્ષ પણ.

મેં પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું છે,પણ એક વાતનુ તારે ખાસ દયાન રાખવું પડશે નીરજ!

આ સમયે માત્ર દવાથી તેમને નોર્મલ કરવું શક્ય નથી,ભાભીને  થોડિ એક્સ્ટ્રા કેરની પણ જરુર રહેશે.મારી સલાહ છે કે તેમને થોડા દિવસ કોઇ હિલ સ્ટેશન પર હવાફેર માટે લઇ જા.તારો વધારેમાં વધારે સમય ભાભી સાથે જ વિતાવ.તેમને બાળક જેટલી કાળજી અને હૂફની જરુર છે.દવા કરતા અત્યારે પ્રેમાળ વાતાવરણ તેમને સાજા થવામા વધારે હેલ્પ કરી શકશે.

અને હા,એક અગત્યનુ સૂચન એ કે તેમને ક્યારેય એકલા પડવા દેતા નહિ.તું અથવા બાળકો અથવા કોઇ સંબંધીને સતત ભાભી સાથે જ રાખજે.તેમની એકલતા તેમને પાછાં તરંગો તરફ ધકેલશે અને ફરિને  આવી ધટના બની શકે છે.

નીરજ તેમના મિત્રનો આભાર માની,આંખોમાં પાણી સાથે તેમની કેબીનમાંથી પોતાની વહાલી પત્નિ નીલૂના ડિસચાર્જ પેપર્સ,પેમેન્ટસ વગેરે રેડી કરી સ્પે.રુમમા નીલૂ સમક્ષ જઇ ઉભા રહ્યા.અપલક જોઇ જ
રહ્યા
નીલૂને.જાણે કે કાંઇ થયુ જ નથી એવી સામાન્ય મુખમૂદ્રા સાથે નીલૂ નીરજ સામે જોઇ મલકી.

"ચાલો ને હવે..કેટલા દિવસ થયા હોસ્પિટલમાં?ત્રણ-ચાર.??ખબર નથી મને.પણ તમે હવે જલ્દી ચાલો,મારે ઘેર જવું છે.મારી શૈલુ,મારો આકાશ મારી રાહ નહિ જોતા હોય?"

નીરજ ફટાફટ બધી તૈયારી કરી.સામાન તો બહુ થોડો જ હતો.વોર્ડબોયની મદદથી બધું ગાડીમાં ગોઠવી લીધું. ચાલ! તારે જલદી જવું છે ને? ઘેર શૈલજા,આકશે તારા આગમનની તૈયારીઓ કરી રાખી છે.
શાંતાબા પણ તારી રાહ જોતા હશે.

નીલૂનો હાથ પ્રેમથી પકડી નીરજ તેને પોતાની કાર તરફ દોરી ગયો,અને થોડી વારમાં જ તો તેમની કોરોલા બપોરનાં થોડા ઓછા ટ્રાફિકવાળા ફોરલેન રસ્તા પર પૂરપાટ દોડવા લાગી.ઘરે પહોંચતા પોણો કલાક લાગે તેમ હતો.નીલૂ તો તરત જ મેડિસીન્સનાં ઘેન હેઠળ આરામ કરવા લાગી હતી.

અને નીરજ??

જાણે આટલા વર્ષોના પોતાના જીવનનું સરવૈયું તપાસતા કારનાં બંદ કાંચની આરપાર જોતાં વિચારે ચડી ગયા.

મી.નીરજ દિવાન. ફર્સ્ટક્લાસ   ગ્રેડના ગવર્મેંટ ઓફિસર.સુંદર,સાલસ,વ્યવહાર કૂશળ સહચારિણિ નીલૂ..બે બાળકો શૈલજા અને આકાશ અને આખા ઘરની,બાળકોની અને નીલૂના કિચનની જવાબદારી સંભાળતા શાંતાબા.વર્ષોથી ઘરમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા હતા.તેમને નોકર ના ગણતા ઘરના સભ્ય જ બનાવી મૂક્યા હતા શાંતાબાની વફાદારી અને વાત્સલ્ય વરસાવતા સ્વભાવે.

નીરજને ક્યારેય ઘર કેમ ચાલે છે,બાળકો કેમ મોટા થાય છે તેની ખબર જ પડવા નોતી પામી.ક્યારેક ટૂર તો ક્યારેક સેમિનાર તો ક્યારેક મિટિંગ્સ અને રજાના સમયમાં પરિવાર સાથે થોડી મોજમસ્તિ તો ક્યારેક સામાજિક વ્યવહાર.લગ્ન પછી ના આટલા વર્ષો ક્યા વહિ ગયા તેની તેને પોતાને પણ તમા ન હતી.

આજે તેની ઉંમર ૪૭ પહોચીં છે અને આ સાવ અલગજ પ્રકારની મૂસિબત અચાનક ક્યાથી આવી પડી.


આકાશના જન્મ બાદ નીલૂની તબિયાત ક્યારેક ક્યારેક નરમગરમ રહેતી,તે પણ બે-ત્રણ દિવસમા તો એકદમ ફિટ.બાકી કોઇ જ તકલિફ ન હતી નીલૂને.પરંતુ છેલ્લા આઠ-દશ મહિનાથી તો જાણે સાવ જ બદલાઇ ચૂકી હતી તે.બાળકોનુ વહાલથી ભરણપોષણ કરવાવાળી માં પોતાની જ ૧૫ વર્ષની શૈલજા અને માત્ર ૭ જ વર્ષના આકાશને એટલી હદે માર મારતી કે બાળકો એ માં પાસે જવાનુ મૂકી દિધું હતું. શાંતાબાને પણ ક્યારેક હળધૂત કરી મૂકી અપશબ્દો સંભળાવી દેતી,તુંકારો પણ કરી દેતી.

"તું નોકરાણી છે.તારી ઔકાતમાં રહે..હું બધું જાણું છું મારા રસોડા પર તે કબ્જો મેળવ્યો છે.મારા બાળકોને તે જાદુટોણૉ કરી તારા વશમા કરી લીધા છે.મારા પતિના પણ કાન ભંભેરશ મારા વિરુદ્ધ.જા,નીકળી જા મારા ઘરમાંથી."

આવું આવું તો કેટલુંય બિચારા શાંતાબા અત્યાર સૂધી સહી ચૂક્યા હતા.આ વર્તનથી નીરજ પોતે પણ બચી શક્યા ન હતા.ઘરમા પગ મૂકતાની સાથે જ જાણે વાક્બાણૉનાં પત્થરોનો સામનો કરવો પડતો.

"આખો આખો દિવસ બહાર રખડો છો,ઘરની કોઇ ચિંતા જ નથી.ખબર નહી કોની સાથે..!!"

આટલી સભ્ય સ્ત્રીની વાણી આટલી બેહૂદી કેમ બની ગયી?

એકવાર તો ઘરમાં કોઇની હાજરી ન હતી અને નીલૂએ પોતાની બેગ ભરી હતી."મારે રહેવું જ નથી આ નર્કમાં..હુ તો આ ચાલી મારી દુનિયામા"

હજૂ ગેટ પણ નહોતો વટાવ્યો અને શાંતાબા શાકભાજી લઇને આવી પહોચ્યા હતાં.કેટલુંયસમજાવી,આખરે તો રિતસરની ઢસરળીને નીલૂને ઘરમાં પાછી લીધી હતી.આ વાતની જાણ થતાં જ તરત જ ડો.ગાલાનો સંપર્ક સાધી મીટીંગ ગોઠવી હતી નીરજે.
ત્રણ દિવસ ક્લિનિકમાં નીલૂને એડમિટ કરી બધાં ટેસ્ટસ કરાવ્યા હતાં અને નીરજને ઉપર મુજબ સૂચનો આપ્યા હતાં.

આવું જ બધું વિચારતા-વાગોળતા ક્યારે ઘર આવી ગયું નીરજને દયાન પણ ન રહ્યું.પાર્કિંગ સ્પેસમાં કાર પાર્ક કરી અને નીલૂને જગાડી હતી. અર્ધનિંદ્રાવશ નીલૂ એક ચમકારા સાથે જાગી ઊઠી. "ચલો ચલો,મારું ઘર આવી ગયું,ક્યા ગયા મારા બાળકો,ખબર નહિ કેટલાય દિવસો થઇ ગયા તેમને જોયા પણ નથી."
કારનો અવાજ સંભળાતા જ બાળકો અને શાંતાબા દોડીને ઘરના પેસેજ સુધી આવી જ ગયા હતા.
સંભાળ પૂર્વક નીલૂને અને સામાનને ઘરમાં લીધો.શૈલજા અને આકાશને ઉમળકાથી વળગી પડી હતી નીલૂ, શાંતાબા સામે પણ આભારવશ મીઠી નજર સાથે એક સ્મિત આપી દીધું હતું નીલૂએ.

બધુંજ જાણે સાવ સામાન્ય બની ગયું હતું બીજી જ સવારથી.નિયમિત લેવાતા મેડિસિન્સના ડોઝ અને ઘરનું પ્રેમાળ વાતાવરણ નીલૂને સાજા થવામાં મદદ કરી રહ્યુ હતું.રાબેતામૂજબ બાળકોની સ્કૂલ અને નીરજની ઓફિસ શરુ થઇ ગયા હતા.એક ફેરફાર નીરજે જરુર કર્યો હતો પોતાની દિનચર્યામાં.સવારે દશ વાગ્યા પહેલા ઘર મૂકવું નહિ અને સાંજે પણ છ વાગતાં જ તેમની કાર આંગણે આવી અટકતી.પત્નિ અને બાળકો સાથે હસીમજાકના દોર ચાલતા.ક્યારેક ગાર્ડન તો ક્યારેક અમસ્તા જ બધાય ક્યાંક ફરવા નીકળતા.બીજા દરેક કાર્યને પળતા મૂકી નીરજ આટલું તો સભાનતાપૂર્વક કરતાં જ હતાં.તેમના મનમાં ડો.ગાલાના સૂચનો બરાબર ઠસાઇ ચૂક્યા હતા કે "નીલૂને એક્સ્ટ્રા કેરની જરુર છે."

અચાનક એક દિવસ ઘરમાં પ્રવેશતા જ નીરજે જોયુ કે નીલૂ અને શાંતાબાની હાજરી ન હતી. એક્દમ શાંતિ વર્તાતી હતી ઘરમાં.નીરજ થોડા વિહવળ બની ગયા અને અવાજ લગાવવાની તૈયારીમાં જ હતાં ત્યાં તો શૈલજા પાણીનો ગ્લાસ લઇ આવી પહોંચી.

"આ લ્યો ડેડી,આજે મમ્મા નહિ પણ હું તમને પાણી આપીશ.તેઓ જરા અહિંયા જ ગયા છે શોપિંગ માટે.હમણા જ આવી જશે.તમે ફ્રેશ થાઓ હું તમારી માટે સરસ મજાની ચા બનાવું."

એક ક્ષણ નીરજ તાકી જ રહ્યા પોતાની જવાન થતી જતી પૂત્રીને. જાણે નીલૂની જ આબેહૂબ પ્રતિક્રુતી.એટલો જ સૌજન્યશીલ સ્વભાવ,એવી જ પારદર્શક સુંદરતા અને ઘરકામ તેમજ અબ્યાસ પ્રત્યે પણ તેટલી જ સભાનતા . જાણે એક યુવતી ગ્રુહિણિ થવા તરફ ધીરે ધીરે પ્રવાસ કરતી હતી. આ વિચારે જ નીરજ જરા મલકી ઉઠ્યા.


 "ઓકે માય લીટલ ડોલ,એસ યુ વીશ.હું આ આવ્યો ફ્રેશ થઇને,તું ચા બનાવી તૈયાર રાખ આપણે સાથે જ થોડો નાશ્તો પણ કરીશું."

મલકાતી મલકાતી શૈલજા કિચન તરફ ત્વરાથી દોડી ગઇ.દશ જ મિનિટમાં શૈલજાએ બધું રેડી કરી ગાર્ડનમાં આવેલા ઇવનિંગ ટેબલ પર ચા-નાશ્તો સજાવી લીધા.આકાશ પણ ગર્ડનમાં જ દોળાદોળી કરતો રમી રહ્યો હતો. નીરજ આવીને ચેર પર ગોઠવાઇ ગયા.એક બિસ્કિટ મોં મા મૂકતાં જ પોતાની વહાલી શૈલૂ સામે જોઇ કહ્યું


"બેટા,આજે તારી સાથે થોડી ગંભીર વાતો કરવી છે મારે.તું ધ્યાનથી સાંભળજે."અને નીરજે નીલૂની બિમારી અંગે સવિસ્તાર વાત કરી શૈલજાને.દિકરા આવી પરિસ્થિતિમાં મારે આવતી કાલે અર્જંટ મીટિંગ અટેંડ કરવી જ પડે તેમ છે. આ ચાર-પાંચ દિવસ તારે તારી મમ્મીની કેર કરવાની છે. હું શાંતાબાને પણ કહી જ રાખીશ પરંતુ તારી પર પણ આ જવાબદારી મૂકતો જાઉ છું. અત્યારે તો બધું જ બરાબર ચાલી જ રહ્યું છે પરંતુ આપણે બીલકૂલ ગફલતમાં ના રહી શકીયે.તારું પણ રિડિંગ વેકેશન ચાલી રહ્યું છે માટે તને કોઇ પ્રોબ્લમ્સ નહી થાય,હા બની શકે તો આટલા દિવસો ટ્યુશન્સમાંથી છુટ્ટી લઇ લેજે. હું એપ્લિકેશન લખી આપીશ. બસ,મારી ગેરહાજરીમાં મારો ચાર્જ તને સોંપતો જાઉ છું.બી કેરફુલ બેટા.સંભાળી લેજે તું.

ડોન્ટ વરી ડેડી!!આઇ વિલ મેનજ.તમે ચિંતા નહિ કરતા મમ્મીની.હું તેમનું પૂરતું ધ્યાન રાખીશ.

ઓકે બેટા,હવે હું નિરાંતે જઇ શકીશ.બસ જરા તારી મમ્મીને મનાવવી પળશે. શૈલજાની આંખોમાં તાકી નીરજે જરા આછું સ્મિત આપ્યું

અરે!શું વાતો ચાલે છે બાપ-દિકરી વચ્ચે હાં! મને પણ તો કહો. હું પણ હસુંને તમારી સાથે.

અને બહારથી આવેલી નીલૂ પણઆ પૂરા થયેલા વાર્તાલાપમાં જોડાઇ ગઇ.હળવા નાશ્તા બાદ બધા પોતપોતાના રુટિન કાર્યોમાં વ્યસ્ત થઇ ગયા.ડિનર લેવાયુ,કિચનને લગતા કામો નિપટાવી શાંતાબા તેમની રુમમાં,બાળકો પણ પોતાના શયનખંડમાં અને નીલૂ તેમના રુમમા પ્રવેશી જ્યાં થોડી વાર પહેલા જ નીરજ આવી ઇઝીચેર પર ગોઠવાયા હતાં.

આવ નીલૂ,બેસ થોડી વાર રહી તારી ટેબ્લેટસ આપું છું.
હાશ! કહેતી નીલૂ પણ સામે ગોઠવાઇ.થોડી ફોર્મલ વાતો પછી મિટિંગ અંગે પણ વાત થઇ.એકદમ સહજતાથી નીલૂએ પણ પર્મિશન આપી અને  પતી-પત્નિ સુખરુપ નિંદ્રાદિન થયા.

સવારે નીરજ તો વહેલા જ નીકળી ગયા અને ઘર તેના રોજિંદા કર્યોએ વળગ્યું. એક દિવસ,બે દિવસ અરે ત્રણ દિવસો આરામ થી પસાર થઇ ગયા.શાંતાબા અને શૈલજા વારાફરથી નીલૂની આસપાસ જ રહે છે અને આનંદિત વાતાવરણ રહે છે.રાત્રે પણ આકાશ,શૈલજા અને નીલૂ એક જ બેડરુમમા સુઇ રહે છે.પણ શાંતાબા સતત જાગ્રુત અવસ્થામાં બેડરુમ બહારની પરસાળમાં જ રાતો વિતાવે છે.

ચોથો દિવસ...!

લેંડલાઇન ફોન રણકી ઉઠે છે..નીલૂ જ રીસિવ કરે છે.

હલો,કોણ? અરે નીલૂ!તારાથી જ વાત કરવી હતી મારે.
સામેથી નીરજનો અવાજ સંભળાય છે.
હા,બોલો? કેમ છો તમે? આજે તો આવી જવાના ને પાછા? કેટલા વાગ્યે આવશો?
અરે નીલૂ!આજે એક દિવસ વધારે રોકાવુ પડ તેવું છે. થોડું એક્સ્ટ્રા કામ આવી પળ્યુ તો થયું તને જાણ તો કરી દઉ,તું રાહ જોઇશ મારી.હું કાલે સાંજે પાંચ વાગ્યે તો તારી સામે હોઇશ.ઓકે.?ટેક કેર ડિયર.શૈલૂ છે શું ત્યાં? જરા ફોન આપને તેને!મારે વાત કરવી છે.

"જી" બસ આટલું જ બોલી નીલૂ રિસિવર પછાળતી ત્યાંથી નીકળી શૈલજાને બૂમ મારીને જ કહી દિધું કે તારો કોલ છે.


શૈલજા તેના ડેડીથી વાતો એ વળગે છે..કેમ છો તમે? કેમ આજે તો તમે પાછા....!!ડોન્ટ વરી..અહિયા બધું જ બરાબ....નહિં નહિં કાઇ જ નહિ જોઇ....બસ તમે આવી...હા હા મમ્મા ટેબલેટસ ટાઇમ સર...થોડા હસવાના અવાજો..મીઠી રકઝક.. અને??

કઇક બળે છે ડેડી!!હું કિચનમાં સેન્ડવિચ ટોસ્ટર ઓન કરીને આવી હતી. ઓ મા..રે! મારી સેન્ડવિચ..ચલો બાય ડેડી,કમ સુન...ઓકે..ઓકે...

કિચનના દરવાજા પાસે પહોંચતા જ શૈલજા જાણે અવાક! અર્ધમૂર્છિત!

થોડી ક્ષણૉ તે સમજી જ ના શકી કે ટોસ્ટરમાં આવી આગ કેમ લાગી..આટલો મોટો ભળકો??

ના..ના.આ તો કાંઇ બીજું?? ઓહ!!! શાંતાબા શાંતાબા..જલદી આવો..આગ..આગ..મમ્મા..મમ્મા..બચાવો જલ્દી..

બાથરુમમાંથી દોડતાં શાંતાબા કિચન તરફ..આ શું?

નીલૂ????? નીલૂ......બેટા પાણી લાવ જલદી...એમ્બુલન્સ બોલાવ..ડો.ગાલા ને કોલ કર..!!!

રાડારાળ..ચીસાચીસ..પડોશી..ડૉ.ગાલા..એમ્બ્યુલન્સ..

બસ..માત્ર અને માત્ર એક જ કલાકમાં નીલૂ બળીને ખાખ..નીરજનું તાબળતોળ આવવું...

આટલી નાની અમથી ગફલત અને તેનું પરિણામ????

નીલૂને બચાવવા જતાં શાંતાબા પણ સારુએવું દાઝ્યા હતાં..તેઓ આ ઘાવ વધારે ના જીરવી શક્યા અને હોસ્પિટલમાં  કોમા અવસ્થામાં જ છ મહિને રામશરણ થયાં. એક પાપ કર્યું હોવાના ઓથાર નીચે નીરજ લગભગ વાચાહિન અને નાસિપાસ થયાં.આકાશ તો સાવ જ નાનો..

માત્ર એક જવાબદારી પણ પોતે ના ઉઠાવી શકી..તેના રંજમાં ને રંજમાં શૈલજાએ સ્વને ભૂલી પરિવારને નામે જીવન અર્પી દિધું.

આજે શૈલજા તેના જીવનના ચાલિશ વર્ષો પૂરા કરી ચૂકી છે.

નાના ભાઇ આકાશને માંનું વાત્સલ્ય આપી,લગ્ન કરાવી તેને સેટ કરી ચૂકી છે.

ભગ્નહ્રદય પિતાને જીવની જેમ સાચવી તેમા પ્રાણ ફૂંકી રહી છે.

"માંનું મ્રુત્યુ ના થયુ હોત જો તે તેના ડેડી સાથે વાતો એ ના વળગી હોત."

બસ,,,આ એક જ ભૂલના ભારણ હેઠળ દબાયેલી શૈલજાએ માંની ચિતા સાથે જ પોતાના દરેક સુખને પોતાને હાથે આગ ચાંપી છે.પોતાની કહિ શકાય તેવી તેની પાસે માત્ર બે જ પ્રવ્રુતિ છે એક તો  પિતાની આજીવન સારસંભાળ અને બીજી..પાસેની જ કોલેજમાં પ્રાધ્યાપિકા તરિકેની સર્વિસ. 


ઉષ્મા

20 નવે, 2010

રે માનવ!!

શીદ ને ગુમાન કરે રે માનવ!
પળછાયો પણ  છાંયળે તરછોડી જાય છે.
સંબંધમાં સ્વાર્થ શોધતાં રે સ્વાર્થી!
તારા પોતિકાં જ મઝધારે છોડી જાય છે.

માનનો માલિક, અર્થનો સ્વામી,
ટેરવે ઘૂમાવે સકળ લોકનું તંત્ર,
હીરા-માણેકથી અંજાયેલ રે લાલચી!
આ ઝાકમઝાળ જ અંતે વખોડી જાય છે.

અકુદરતી માંગણી ,અયોગ્ય ખ્વાહિશો,
યેનકેન પ્રકારે પોષવી ને પોષવી જ,
આસ્તિકતાના છેળે ઉભેલા રે નાસ્તિક!
આ પોકળ દિશા જ તો ડૂબોડી જાય છે.

ઉષ્મા

19 નવે, 2010

"આ સુખની વ્યાખ્યા શું?"

મોબાઇલનાં એક પ્રોબલમ અંગે આજે વોડાફોન સર્વિસ સેંટર જવાનું થયુ.

કમ્પ્લેઇન ટોકન લીધા પછી થોડી રાહ જોવી પડે તેમ હતી. મારી પાસેનો ટોકન નંબર આવવાને સમય લાગે તેમ હતો માટે એક ખાલી જગ્યા શોધી હું ત્યાં બેસી ગયી. થોડી વારે મારી પાસેની ખાલી પડેલી સીટ પર બે સજ્જન આવી બેઠા.તે પણ મારી જેમ ક્યુમાં જ હતા. બંનેની વાતો પરથી લાગ્યું કે તેઓ જૂના મિત્રો હોવા જોઇયે અને બહુ સમય બાદ મળવાનું થયું હોય તેવું પણ લાગ્યું.

મારી પાસે સમય પણ હતો અને નવરાશ પણ. બીજું કોઇ જ કામ પાસે ના હોવાથી મારું ધ્યાન તે બંને મિત્રો વચ્ચે થતી વાતો તરફ ખેંચાયું.તેમનું આખું કન્વર્શેસન સાંભળ્યા બાદ કાઇ અલગ અને
અકળાવનારી અનુભૂતિ થઇ..બંનેના દેખાવ અને આઉટફીટ પરથી જ તેમના વચ્ચે રહેલી આર્થિક અસમાનતા પ્રગટ હતી.

કેમ છો? ક્યાં છો? પરિવાર-બાળકો વગેરેની ઔપચારિક વાતો બાદ ધીરે ધીરે એક ગંભીર સબ્જેક્ટ ચર્ચાવા લાગ્યો..આ આખો સંવાદ અહિં અક્ષરસહ રજૂ કરુ છું.

શું કરિયે યાર! આ ઓછી આવક, ભયંકર મોંઘવારી અને કુંટુંબની પ્રાથમિક જરુરિયાતોની વચ્ચે એવું ભીંસાઇ જવાયુ છે કે ગુંગળામણ થાય છે..બાળકોનું શિક્ષણ,ઘરવપરાશની ચીજો,લાઇટબીલ
આ..ઓ..તે..લાખો જરુરી ખર્ચા અને પાછા સામાજિક વ્યવહાર તો દર બીજા દિવસે ઉભા જ હોય છે..બે છેળા જ ક્યાંય ભેગા નથી થતાં.આખા દિવસની તનતોળ મહેનત છતાંય ભાણા પર બેસતાવેંત ભૂખ મરી જાય છે.રાત પળે નિંદર નથી આવતી,સતત એક જ વિચાર કે કાલે પડતા ખર્ચાને કેમ પહોંચી વળાશે? સાચૂ કહું, તારી જેમ મારી પાસે પણ જો રુપિયા છાપવાની મશિન હોત તો યાર ! વિચારીને જ મને આરામનો અનુભવ થાય છે..કેટલું સુખ અને વૈભવ..નિરાંતનું જીવન..છે તને કાંઇ ચિંતા? અરે આવતી કાલ તો શુ તને આખું જીવન કાઇ ખોટ વર્તાય તેમ નથી.બસ મને પણ એક વાર કેબીસીમાં ચાંસ મળે અને હું પણ કરોડ રુપિયાનો માલિક બનું!!!

ત્યાંજ બીજો મિત્ર બોલી ઉઠ્યો..
લાખો રુપિયા કમાઇ લેવાથી પણ પ્રોબ્લેમ્સ તો તે જ રહેવાના છે ભાઇ..આ હું રહ્યો તારી સામે તેનું જીવતુંજાગતું ઉદાહારણ! મને કોઇ જ કમી નથી પૈસાની..તેમ છતાં પણ મને ભૂખ નથી લાગતી રાત્રે હું પણ તારી જેમ જ જાગતો પળ્યો રહું છુ.તારા અજંપાનું કારણ પણ પૈસો અને મારા અજંપાનું પણ તે જ કારણ..સવારથી જ ચકેડા ચાલું થઇ જાય..આજે કેવા પેંતરા કરવા કે મને બમણો નફો થાય.આવતા નફા ને ક્યાં કઇ રિતે યુઝ કર્વો કે ટેક્શ બચાવી શકાય..હરિફોને કેમ પછાડવા, અને રોજ બદલતી ટેકનોલોજીથી પણ સભાન રહેવું..જરા પણ ચૂકી ગયા તો સમજો આખા વર્ષનું અંતર આવી જાય નફામાં..બસ આ બધાં વિચારોમાં જ એવો અટવાઇ રહું છું કે જમવાનું..આરામ..પત્નિ..બાળકો..બધું જ જાણે વિસરાઇ જવાય છે..પૈસો ના હોય તે પણ ડિસએડવાન્ટેજ અને હોય તે પણ..

ટોકન નં.૨૩..મારા હેલ્પ કાઉન્ટર પરથી અનાઉંસ થયું અને મારે જવું પડ્યું.

મારું કામ પતાવી ઓફિસ આવીને બેઠી તો પણ મગજમાંથી તે બે મિત્રો જતા જ ન હતા.


કેટલી સાચી વાત..એક વ્યક્તિ દુઃખી છે કે કમાણી ઓછી છે અને એક વ્યક્તિ દુઃખી છે કે કમાણી વધારે છે..આ પરિસ્થિતિને શું કહેવું? લાલચ કે પછી અસંતોષ? ધનવૈભવમાં જેઓને સુખ દેખાય છે તે પણ એક છલના જ છે ને? ખરેખર શું આ "સુખ"ની વ્યાખ્યા કરવી તે ખૂબ અઘરું કામ છે? આવા તો કેટલાય પ્રશ્નો ઘુમરાયા કર્યા દિલોદિમાગ પર,ખાસ તો એ કે "આ સુખની વ્યાખ્યા શું?"

ઉષ્મા

16 નવે, 2010

તું સુંદર છે..



તું કહે હું સુંદર છું!!!!

સેંકડો સપનાઓ મારી આંખે ફૈલે,તારા હોવાપણાથી આ મૌસમ ડોલે..
તારે શ્વાસેશ્વાસે ફુલ ફોરમ મહેકે..હું કહું તું અતિ-અતિસુંદર છે.

તું કહે મારી આંખો મીન-સી!!!!

જેની વિશાળતાએ દરિયો ભાસે,ફેનિલસી ઇચ્છાઓ પ્રાસે પ્રાસે..
મારું કવન ભટકતું તેની આસેપાસે..હું કહું તવનયન જીવનપ્રદ છે.

તું કહે મારી વાણિ મધૂર!!!!

હોંઠ ફરકેને ત્યાં સરગમ ઝરે..શબ્દે શબ્દે પ્રાણ પત્થરે ભરે
મારા ગીતો પ્રગટે તારે એકેક સ્વરે..હું કહું તવનાદ લયસ્તર છે.

તું કહે મારી ઝૂલ્ફો ઘટા..તું કહે મારા હોંઠ મ્રુદુલ..
તું કહે મારે ચહેરે ચાંદ..તું કહે..તું કહે..તું કહે..!!!!

ઓહ! મારી સુંદરતાના ચાહક, થોડું મુજ રવને ગ્રહિશ?
તારી આ હસ્તિ તો મારું અસ્તિત્વ છે,
જીવન છે..સુંદર છે..સુંદરતમ છે.


 ઉષ્મા

11 નવે, 2010

પૂનરાવર્તન (ટૂંકી વાર્તા)

માગસરની થોડી ઠંડી અને થોડી આલસી બપોર, આંખોમાં કાંઇક થાકની લાગણી સાથે મીરાં પોતાના આરામદાયી શયનખંડમાં પ્રવેશે છે.સવારનું બીઝી શેડ્યુઅલ,બપોરનું ગુજરાતી હેવી લંચ અને કિચનનું કામકાજ પતાવી આરામના ઇરાદાથી મીરા ડબલબેડ તરફ નજર કરે છે..

અરે! આ શું? ફરી એક ગિફ્ટપેક..? જરુર આ માધવનું જ કામ છે.

મીરા-માધવનાં દશ વર્ષનાં લગ્નજીવનમાં જાણે નવી જ ફોરમ પ્રગટી છે આ છેલ્લા થોડા મહિનાઓથી...મીરા વિચારિ રહી...!

બંને પરિવારની સંમતિ સાથે ધામધૂમથી તેમનાં અરેંજ મેરેજ ગોઠવાયા. સારું ઘર,પાંચ આંકળામાં પગાર મેળવતો મિલનસાર પતિ,સાસરામાં પરિવારને નામે માત્ર એક નાની,વહાલી નણંદ મિત્રા..બસ એક ભારતિય વાતાવરણમાં ઉછરેલી યુવતીને આથી વધારે શી અપેક્ષા હોય.શરુઆતનાં બે-ત્રણ વર્ષો તો જાણે સમયને પાંખો આવી હોય તેવી રિતે ઉડી ગયા.ત્યારબાદ તો નાના બાળક અંશુનું આગમન
આખા ઘરને ખુશખુશાલ કરતુ ગયું.

અંશુનું પાલનપોષણ,ઘરની સારસંભાળ વગેરે મિત્રાની મદદથી સારી રિતે ગોઠવાઇ ગયુ હતું. માધવની સમજદારી અને મીરાનાં કુનેહપૂર્ણ ગ્રુહવહીવટથી આ નાનકડું કુટુંબ સુખી જીવન જીવી રહયું હતું..

પરંતુ કેટલાં મહિનાઓથી મીરા સતત પરિવર્તન અનુભવી રહી હતી,માધવના વર્તનમાં. ઓફિસની જવાબદારીઓમાં બિલકૂલ આઘુંપાછું ના ચલાવતો માધવ ક્યારેક અચાનક જ બપોરે ઘેર આવી મીરા ને સરપ્રાઇસ આપવા લાગ્યો..અંશુને મિત્રા પાસે મુકવાનુ કહી ક્યારેક એક્સ્પેન્સિવ લંચ તો ક્યારેક કેન્ડલલાઇટ ડીનર ગોઠવવા લાગ્યો..
અને હાં..ક્યારેક ગુલાબનું બૂકે તો ક્યારેક સાળી અને નાની નાની સુંદર રિતે સજાવેલી મોહક ગિફ્ટસ તો ખરી જ.

શરૂઆતમાં તો મીરાનાં મનમાં આનંદની છોળો ઉડતી,તે માધવ સમક્ષ તેનો એકરાર પણ ખુશીથી કરતી.પરંતુ આ ખુશીનો અવિરત પ્રવાહ ક્યારેક મીરાને અવઢવમાં પણ મુકી દેતો.
"કેમ માધવ? બહુ પ્યાર આવે છે આજકલ તને તારી પત્નિ પર? ભલે તે મને ક્યારેય પ્રેમની ઓછપનૉ અનુભવ નથી કરાવ્યો, પણ આટલો એક્સ્પ્રેસીવ તો તું ક્યારેય ન હતો! " 

માધવ  ઠાવકાઇથી એક માદક સ્મિત સાથે કહી દેતો.."બસ હમણાં કાંઇ આવું જ કરવાનું મન થાય છે..બહુ રહી લીધું ગંભીર..બહુ થયુ આ જવાબદારીઓનું પાલન..થોડું નિજાનંદ માટે પણ જીવવું જોઇએ ને? એકધારું વહેતું આ તારું-મારું જીવન..તેમાં થોડા નવા રંગો ભરવા જોઇયે તેવું તને નથી લાગતું મીરા? મારે તો આનંદનુ સ્થાન પણ તું અને માધ્યમ પણ તું જ છે.તારી સાથેની આ મીઠી ક્ષણો મને તાજગી બક્ષે છે
મીરા..હું તને ખૂબ ખૂબ ચાહું છુ..એક હળવી ચૂમી મીરાના ગાલે ધરતો માધવ ત્યાંથી
હવાની લહેરની જેમ સરકી જતો.

આવી મઘમઘતી ઘટનાઓ ની ભરમાર મીરાને વહાલ અને આશ્ચર્યથી તરબોળ કરી જતી.દરેક વિચારને દૂર હડસેલી મીરા આખરે બેડ પર આડી પડી.આંખોમાં થાક અને ઉંઘના ભારોભાર પડળ છતાંય મીરાથી ભૂતકાળમાં સરી જ જવાયુ...!

અઢાર વર્ષની ભરપૂર યૌવના મીરા..કોલેજકાળની શરુઆત..મિત્રો અને ફેશનની જાણે કે હેલિ વરસતી જ્યારે ગૌર ગુલાબી રંગ.સુંદર શરિરસૌષ્ઠવ,સહેજ ભૂરી સપ્રમાણ આંખો,લાંબુ કહી શકાય તેવું કદ,મસ્તીખોર સ્વભાવ ધરાવતી મીરા તેના વ્રુંદ સાથે કેમ્પસમાં પ્રવેશતી.
થોડી અભિમાની છતાંય સાલસ મીરા જરીવારમાં લોકોને પોતા તરફ ખેંચી શકવાનું ચુંબકિય બળ ધરાવતી હતી..
પરંતુ તેની પસંદ..બધા યુવાવર્ગથી ઘણી અલગ.
પોતાના સ્વભાવથી વિરુદ્ધ વ્યક્તિત્વ તેની પહેલી ચોઇસ..
કોલેજનાં પ્રથમ વર્ષમાં જ મીરા આકર્ષાઇ પોતાનાથી મોટી ઉંમરના એક પરિણિત પુરુષ તરફ્..

માનસ..!!મીરાની શાળા સમયની અને અત્યાર સુધી સાથે અભ્યાસ કરતી ફ્રેંડ લેખાનો એક નો એક  ભાઇ.બંને વચ્ચે લગભગ બાર વર્ષ જેવી ખાસી ઉંમરનું અંતર..તેની પત્નિ માયા અને ત્રણ વર્ષના પૂત્ર અર્જુન સાથ એશોઆરામનું જીવન બસર કરે છે..પ્રાઇવેટ કંપનીનાં એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેંટના ઉચ્ચ હોદાએ માનસની પર્સનાલિટિને ચાર ચાંદ લગાળ્યા છે.કોઇપણ યુવતીના ડ્રિમબોય જેવું આકર્ષણ માનસની ખાસિયત છે.

મિત્રતાને નાતે વારંવાર મીરાનું લેખાને ત્યાં જવાનું બને તે સ્વાભાવિક હતું..ક્યારેક અલપઝલપ થતી મુલાકાત અને તત્કાળ રચાતું તારામૈત્રક..મીરાનાં મનનાં કૂમળા ભાવ ઉજાગર કરવા નિમિત્ત બન્યું.માનસનાં એકદમ રિઝર્વ્ડ નેચર,ટૂંકમાં વાત કરવાની આદત અને એક મેચ્યોર્ડ ઇમેજ મીરાના મનમાં વસી ચૂકી હતી.
આખરે એક દિવસ મીરાની વાચાળતા તેના પોતાના જ વશમાં ના રહી અને માનસ સમક્ષ નિખાલસ પ્રેમનો એકરાર કરીને જ રહી.

નિયમ છે કે વિરોધી વ્યક્તિત્વ એક્મેક તરફ જરુર આકર્ષાય છે..આ જ નિયમ કામ કરી ગયો બંને વચ્ચે. એક તાંતણે જોડાઇ જ ગયા માનસ અને મીરા.મીરાની નિર્દોષ લાગણીઓ  માનસે માનભેર સ્વિકારી.બસ..પછીતો બંનેનો એક પગ જમીન પર અને એક ઉંચા સ્વપનશીલ આકાશે..શહેરનાં બહુ ઓછા પોપ્યુલર એવા એક કોફિશોપની મૂલાકાતો વધી ગયી..ક્યારેક માનસની ઓફિસ પર અચાનક કોલ કરી મીરા  એનાઉન્સ કરી દેતી.."આજે સાંજે લોંગ ડ્રાઇવ પર જઇશું..મસ્ત મૌસમ છે..હું આવી જઇશ હં શાર્પ એટ સિક્સ'ઓ ક્લોક..ઓકે." માનસ પણ ઓલ્વેઝ રેડી ફોર મીરા..
સાંજ થતાં જ શોર્ટ સ્કર્ટ અને સ્ટ્રાઇપ્ડ ટી-શર્ટ,ખુલ્લા રેશ્મી વાળ અને માદક સ્મિત સાથે મીરા હાજર.લાંબી લાંબી ખાલી સડકો,માનસની કાર અને મીઠું સંગીત..સમયક્યાં વહી જાય તેનું પણ મીરાને ક્યારેક ભાન રહેતું નહી.

"ઓ માનસ! હું તમારી સાથે વિતાવેલો સમય ક્યારેય નહિં ભૂલી શકુ!મારા અત્યારસુધીના જીવનનો આ ગોલ્ડન પિરિયડ છે.હું તમને અંતરનાં ઊંડાણપૂર્વક ચાહું છુ."
મીરા!આટલો નિખાલસ પ્રેમ મેળવી હું પણ ખૂબ ખુશ છું,આટલી મસ્તી આટલી બેફિકરાઇ આ નિર્દોષ આનંદ લાગે છે મારો જીવ લઇ લેશે..અત્યારે છે તે બધું કાલે હશે કે નહિં? વિચારું છું તો મારું હ્રદય એક ધબકરો ચૂકી જાય છે.."માનસ ક્યારેક ગંભીરતાથી કહી ઉઠે છે..
આ સંબંધનું કોઇ જ ભવિષ્ય નથી મીરા..!હું તને કોઇ પણ જાતનો ન્યાય આપી શકવાની કંડીશનમાં નથી..હું પરિણિત.એક સંતાનનો પિતા,તારીમારી ઉંમરમાં કેટલો તફાવત..ક્યારેક લાગે છે કે હું તારી સાથે મારી ખુદની જાતને પણ છેતરી રહ્યો છું.લાગે છે કે પ્રેમમાં સ્વાર્થી બની જવાયુ છે.આ બધું કેટલી હદે યોગ્ય છે મીરા? ના તો હું મારા પરિવારથી વિખૂટો પડી તને અપનાવી શકીશ કે ના તો
તને જીવનભર મિત્રતાના દાવે સાથે રાખી શકીશ.."

બસ બસ હવે!! મારી માટે પણ કાઇ બોલવાનુ બાકી રાખો! મને પણ થોડી ટિપ્પણીઓ
આપવા દ્યો આપણા આ સો કોલ્ડ સંબંધ પર!કહી મીરા સહેજ હોંઠમાં મલકાઇ ઉઠે છે..
મસ્તીનાં મૂડમાંથી પોતાને ખેંચી કારનાં કાંચમાંથી દેખાતા આકાશના ટૂકડા તરફ અપલક તાકી રહે છે.

."માનસ,આ ટૂકડૉ દેખાય છે તમને? બસ, મને આખું આકાશ ક્યાં જોઇએ છે..તમારા જેવી વ્યક્તિનો મને મીઠો સાથ છે તે મારી માટે જીવનપૂંજી છે.હું પણ્ ક્યાં નથી જાણતી કે તમે મારા નથી? આખા નભમાંથી આ નાનો અંશ જ ફક્ત મારો છે તેનાથી હું અજાણ નથી માનસ. મારી આ ઉંમરમાં મને તમારા જેવી વ્યક્તિનો સાથ,મિત્રતા સાંપડી છે તેનાથી મને સંતોષ છે.તે પણ પ્રેમના સ્વરુપમાં.તમે મને સાંચવી છે,મારા ભાવજગતની માવજત કરી છે,. ક્યારેય તમારા હકોનો દૂરઉપયોગ નથી કર્યો.મને પ્રેમની સાથે સાહજિકતા અને સુરક્ષાનું ઉષ્માભર્યૂ વાતાવરણ આપ્યું છે.તમે કદાચ નહી જાણતા હો માનસ! તામારા આ સાથે મને કેટલીય તકલિફોથી બચાવી છે.મારું ધ્યાન ક્યારેય જેવાતેવા યુવાનો તરફ ભટક્યું નથી, અને હા! તમારા આ જ પ્રેમાળ વર્તને મારા મનમાં પુરુષો તરફનો આદરભાવ વધાર્યો છે. તેમને જોવાનો મારો દ્રષ્ટિકોણ બદલ્યો છે..કે પુરુષો માત્ર લોલુપ કે ખરાબ વ્રુત્તિનાં જ નથી હોતા..તેમનામાં એટલી તાકાત પણ હોય છે કે એક તોફાની દરિયાને શાંત સરોવરમાં ફેરવી શકે.જેટલી હૂંફ અને ચાહત મે તમારા તરફથી મેળવી છે તે મારી માટે હંમેશા અમૂલ્યરહેશે માનસ! મને ક્યારેય તમારાથી દૂર થવાનો ભય નથી સતાવતો? હું ક્યાં તમારાથી દૂર થવાની છુ?

પણ મીરા! ભવિષ્યમાં તારે પણ કોઇ સાથીની જરુર રહેશે..જીવનસાથીની..જે જગ્યા હું ક્યારેય નહિં પૂરી શકું? હું એવું ચહિશ પણ નહિં કે મારા માટે તારું જીવન ખાલી રહે..તું એક એવા અનુભવથી વંચિત રહે જે તને પૂર્ણસંબંધોની અને માત્રુત્વની વ્યાખ્યા સાચા અર્થમાં સમજાવે.

નહિ નહિ માનસ..!!એવું નહિ વિચારતા પ્લિઝ..હું જરુર અને જરુર લગ્ન કરીશ..મારે પણ સંપૂર્ણ જીવન માણવું છે..આપણા આટલા સાલસ અને નિખાલસ પ્રેમ ને હું કોઇ જાતનું કલંક નહિં જ લગાડું..પણ એટલું જરુર કહિશ કે મારા આવનારા જીવન પર આજીવન તમારી મીઠી મહોર રહેશે..હું ક્યાંય પણ હોઇશ આટલી જ મીઠાશ પ્રગટાવવાની કોશિષ કરીશ.તમારે કારણે જેમ મારી દુનિયા સતરંગી છે તેવી જ રિતે હું કોઇની દુનિયા રંગરંગી કરીશ..બની શકશે તો આપણી મિત્રતા કાયમ રહેશે અને નહિ તો સંભારણા તો છે જ ને? એકમેકનાં સંસ્મરણોમાં કાયમ મહેક્યા કરિશું,મીઠી યાદ બની ને.ખરું ને?

ઓહ!મીરા,તું આટલી હદે પરિપક્વ હોઇશ તેવી મને આશા તો હતી પણ વિશ્વાસ ન હતો.આજે તારા તરફ પ્રેમની સાથે માન પણ વધ્યુ છે મીરા.આ મારી નાનીનાની પ્રેયસી આજે મને વધારે વહાલી લાગી.સ્ત્રીનું આ અલગ સ્વરુપ!!એકબીજાનાં અંગત જીવનમાં અંતરાય બન્યા શિવાય આ કેવો પ્રેમ મીરા?  અદભૂત!  હું પણ તને ક્યારેય મારા શ્વાસથી અલગ નહિં કરી શકું..આ મીઠાશ આપણા વર્તનમાં કાયમ રહેશે..ભલે આપણે પછી સંપર્કમાં હોઇયે કે નહિ??

હાં હાં બાબા હાં!! જુઓ તો સહી સાડા સાત થઇ ગયા..જલ્દી ચલો ઘર તરફ!
બંનેનાં ચહેરા ઢળતા સૂરજની લાલિમા અને અલૌકિક ખુશીથી રંગાઇ ચૂક્યા હતાં.
કદાચ કુદરતને પણ આ નિષ્પાપ પ્રેમ પસંદ પડી ગયો હોય!


આ છૂપી મૂલાકાતોથી અજાણ માયા પણ લેખાની મિત્ર તરિકે મીરાને પસંદ કરવા લાગી. ક્યારેક મીરા,માયા અને લેખા જાણે હમઉંમ્ર હોય તે રિતે વાતો એ વળગતાં.અવનવી લેટેસ્ટ ફેશન હોય કે કોલેજ દરમ્યાન થતી મજાકમસ્તી,ક્યારેક કરંટ ન્યુઝ તો ક્યારેક માયા-માનસની મજાકભરી દાંપત્યજીવનની વાતો પણ તેમાં સામેલ રહે." તમે જાણૉ છો લેખા! હમણાંથી તમારા ભાઇ એવા તે રોમેંટિક બની ગયા છે કે ના પૂછો વાત? પહેલા ક્યારેય નહિ અને હમણા સન્ડેના મને કહે ; "ચાલ ને માયા આજે એવીજ રિતે લોંગ ડ્રાઇવ પર જઇયે જેમ લગ્નબાદ અર્જુનના જન્મ પહેલાં નીકળી પડતાં!"
સાચુ કહુ મીરા,મને તો એવુ લાગ્યુ કે મારો  પ્રિય પતિ જાણે મારો તાજો પ્રિયતમ બની ગયો!
મેં તો પૂછી જ લીધું..કેમ માનસ? કોઇના પ્રેમમાં છે શુ? તેમનો મૂડ એટલો સારો હતો કે ગાલે એક હળવી ચૂમી ભરી કઇ ગુનગુનાવતા મને ખેંચીને કાર તરફ લઇ ગયા."
ત્રણે સખી એકીસાથે હાથે તાળીઓ આપી હંસી ઉઠી.

અરે ભાભી! હજુ આરામ ફરમાવો છો કે શુ?
બેડરુમનાં ડોર પર ટકોરા પાડતી મિત્રા બેડ સુધી આવી ગયી હતી.
મીરા થોડી ચમકી તંદ્રામાંથી પ્રયત્નપૂર્વક બહાર આવી.
ઓહ!પાંચ વાગી ગયા? મને તો ખ્યાલ જ ના રહ્યો મિત્રા!
પણ હવે જલદી કરો ભાભી..નીચે ભાઇ હોર્ન પર હોર્ન આપી રહ્યા છે..તમને બોલાવે છે..કહે છે ; મીરાને કહે તૈયાર થઇ ઝડપથી નીચે આવે..કેટલી સરસ મૌસમ છે..લોંગ ડ્રાઇવ પર જવું છે.
ફટાફટા તૈયાર થઇ મીરા ભાગીભાગી માધવની સાઇડ સીટ પર ગોઠવાઇ ગઇ.

રોમેંટિક મૂડ,સ્લો મ્યુઝિક અને મસ્ત મૌસમ!!!
બહારના દ્રશ્યો જોતા મીરાને જાણે અચાનક જ કઇ સ્ફૂર્યૂં..

શું આ પૂનરાવર્તન છે??
મીરા અને માયાનાં ચરિત્રોનું?
શું મીરા આજે માયાના સ્થાને છે અને મીરાના સ્થાને કોઇ....???
એક એવું ગંભીર-ગૂઢ-ચિંતાતૂર-કળી ના શકાય તેવું સ્મિત મીરાના હોંઠો પર ફરકી રહ્યું
જેવું કદાચ વર્ષો પહેલા માયાના હોંઠ પર રમ્યુ હશે...!!
 
ઉષ્મા

1 નવે, 2010

શુભ દિપાવલી..

ઉંબરા પૂજાશે,શુભ-લાભ મૂકાશે,
તોરણો બંધાશે..શુભ દિપાવલી..
દિવળાઓની હાર અને રોશની બંધાશે,
લક્ષ્મી પૂજાશે..શુભ દિપાવલી..

વેરઝેર ભૂલી કંકાશ કઢાશે,
નૈવેદ્યો થાશે...શુભ દિપાવલી..
કાળી કાળી રાત્રિને હર્ષોઉલ્લાસથી
આખ્ખી ભરાશે..શુભ દિપાવલી..

સ્નેહી-સંબધીઓની રાહ જોવાશે..
મધૂરમધૂર થાશે..શુભ દિપાવલી..
તારામંડળનાં એક એક તણખે..
રંજિશ બાળાશે..શુભ દિપાવલી..

(રંજિશ = વર્ષો પુરાણી દુશ્મની)

ઉષ્મા

26 ઑક્ટો, 2010

વેદના

હું તો સંધ્યાના રંગે રંગાઇ તારા પ્રેમમાં!
તું ના રંગાયો મારા એકેય રંગે..
જોજનોની યોજનાના પથ પર હવે
કહે!!કેમ કરી ચાલુ હું તારી સંગે?

તારી માંજરી આંખોમાં મારા સાતેય જનમ ડુબ્યા..
તારી આંખે ઉગવાને મારું સપનું ઝંખે!!
બિડાયેલ નયનોનાં દ્વારેથી રોજરોજ
કેવું ચડે છે તારી સાથે જંગે..કહે!!કેમ કરી ચાલુ હું તારી સંગે?

ઘાયલ આ હૈયાની વેદનાની વાત છે..
મ્રુગજળના ઝરણાને વહેવા તો દે!
સ્મરણો ને સ્પંદનમાં અટવાતું મન મારું
શિતળશી બૂંદ તારા હસ્તે ઝંખે..કહે!!કેમ કરી ચાલુ હું તારી સંગે?

ઉષ્મા

20 ઑક્ટો, 2010

શું માનવતા હવે મરી પરવારે?

વાત બહુ નાની છે પણ તેની અસર આજપર્યંત મારા માનસપટ પર અંકિત છે.
મારી સાથે બનેલી એક ઘટના આપ સૌ સાથે શેર કરવા માંગુ છું.

થોડા વર્ષો પહેલા પરિવાર સાથે મારા શહેરની પાસે આવેલા એક પ્રચલિત તિર્થધામે
જવાનું થયું.અમે સૌ દર્શનાર્થે જવા મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા પણ ન હતા અને
એક આઠ-દશ વર્ષનું બાળક જમીન પર પોતાના હાથો વળે ઢસરળાતું મારી નજીક
આવ્યું.પોતાની વિકલાંગતાથી લાચાર દ્રષ્ટિએ મારા તરફ જોઇ મદદની ભીખ માંગવા લાગ્યુ.
તેની આ લાચારી અને કૂમળી ઉંમર જોઈ મને તેનાં તરફ અનુંકંપા જાગી અને
મેં તેને દશની નોટ આપી,આગળ નીકળી ગયેલા મારા પરિવાર સાથે ઝળપથી જોડાઇ ગયી.

વાત અહિથી જ શરુ થાય છે.દર્શન કરી..મંદિરના રમણિય વાતાવરણમાં થોડું ફરી
અમે ભોજનાલય તરફ જવા મંદિરનાં વિશાળ પ્રાંગણમાં આવ્યા.આહિયાં કેટલાક
બાળકો રમતા હતા.થોડા રમકડાવાળા,નાશ્તાની લારિઓવાળા અને બીજી પણ
નાનીનાની ચીજો વહેંચતા કેટલાક ફેરિયા પણ અહિં ઊભા હતા.ત્યાં જ મારી
નજર એક બાળક તરફ ગઇ જે દોડતાં-દોડતા એક ફુગ્ગાવાળા પાસે જઇ રહ્યો હતો. 
    
"એ પેલો જ બાળક હતો મેં જેને અપંગ સમજી થોડી મદદ કરવાની કોષિશ કરી હતી."
આ દ્ર્શ્ય જોઈ મન થોડું ખાટું થઇ ગયું.આ ઘટના બાદ જ્યારે પણ કોઇ ભીખ માંગતી
કે યેનકેન પ્રકારે મદદ માંગતી વ્યક્તિ જોઉ છું તો યથાશક્તિ મદદ કરવાની લાગણી સાથે સાથે અણગમો પણ પેદા થાય છે.કઇ આપતાં પહેલા મન થોડું ખચકાય છે.

"સૂકા ભેગું લીલું બળે" તેવી જ રિતે ખરેખર જેને જરુર છે તેને પણ શંકાની નજરે
જોવાઇ જાય છે.નક્કિ નથી કરી શકાતુ કોણ સાચું અને કોણ ખોટું છે.લાગે છે
આજ ના સમયમાં લાગણી કે અનુકંપાની જરુર જ નથી.અંદરની માનવતાને
મારી એક્દમ તટસ્થભાવે સ્વકેન્દ્રિય રહેતા લોકો જ આજનાં યુગની માંગ છે.

ઉષ્મા

12 ઑક્ટો, 2010

ઓ શ્યામ!

તારી વાંસળીની એક ફૂંક બની જાઉ ઓ શ્યામ!
આટલું જીવન મને બસ છે..
સૂર બની રેલાઉ હરિયાળા કદંબ તળે
આટલું ભ્રમણ મને બસ છે..

કલકલતી કાલિંદિ તવ ચરણે ખેલે ઓ શ્યામ!
વ્રુંદાવન મથુરાને તારું ઘેલું..
ઘેરાતાં જળની એ માછલીનાં મિનપંખનું
એક જ શ્વસન મને બસ છે..

મારે ક્યાં એષણા બનું રાધા-ગોપી ઓ શ્યામ!
ના રસ છે તવ લીલા નિહાળું..
મીરાંનાં તંબૂરની વેદનાનાં તારોની
એક જ ધબક મને બસ છે..

તારી વાંસળીની એક ફૂંક બની જાઉ ઓ શ્યામ!
આટલું જીવન મને બસ છે..

ઉષ્મા

21 સપ્ટે, 2010

નિસર્ગગ્રસ્તતા

મન તો કહે છે.."ઉગતી સવારનાં સોનેરી સૂર્યની કૂણી હૂંફાળી કિરણોથી રોમ-રોમમાં
જીવંતતા ભરી લઉ..સધ્યસ્નાતા દેવચકલીની ભીની ફડફડતી પાંખોની બોછારથી
સ્નિગ્ધતા અનૂભવું..તૂલસી ક્યારે દિપજ્યોતે આણેલી પવિત્રતાને ભાવપૂર્વક ગ્રહૂં..!!"

પણ આ નજર સામે અસ્ખલિત વહેતા સમય પ્રવાહનુ શું કરવું?

હંમેશ નિસર્ગગ્રસ્ત રહેતું મન પાછું પડે છે..આ સમયયંત્ર સમક્ષ..
કાર્યરત રહેતું તન અને કુદરતરત રહેતું મન!!!
કુદરત અને કર્મ વચ્ચે રહેતો આ પડદો શુ ક્યારેય છેદી શકાશે???
અનેકાનેક કામ ના બોજા તળે જાણે કુદરતનાં સૌંદર્યથી વિમુખ થઇ જવાયું છે..
આ ખેંચતાણનો અંત આણવાનાં સતત પ્રયત્ન કરું છુ..પણ આ સમયયંત્ર..
પોતાની ગતિની સાથે મારી ગતિ પણ બમણી કરી દે છે..પરંતુ કુદરત તરફની
ઉત્કંઠા અનંત છે..સમયથી છિનવેલી થોડી ક્ષણો આ કુદરતને અર્પણ..

ઉષ્મા

16 સપ્ટે, 2010

મારું ખોવયેલું મોતી

આ નાના-નાના ટૂકડાઓનું સર્જન સમયાંતરે થયા કરે છે.
તેનો સંગ્રહ એકીસાથે અહિં આલેખતી રહિશ.
*********************************************
 
*
એક તારા જ નામની
રેખા-જે મારી હથેળીમા ન હતી..
તેની જ તલાશમાં હું
ઉમ્રભર તરસી,તડપી,
આખરે તું વ્યાપ્યો
...અણુઅણુએ યાદ બની
ત્યાં જ શ્વાસ ઝંપ્યા..
પ્રગટ્યું એક અશ્રુબિંદુ
તારી આંખે
તે જ મારો સફળ જન્મારો..
ઉષ્મા.

*
હાથ અર્પ્યો,હાથ ગ્રહ્યો..
સાથ ઝંખ્યો,સંગાથ રળ્યો..
અનંતતા ચાહિ!!!!
વેરણછેરણ શબ્દ સૌગંદ..
હાથ-સાથ રહ્યો રળઝળ્યો..
બસ આટલી જ તારી આસક્તિ??
હાથ,સાથ મેળવી
અનંત શબ્દથી છળ્યો???
ઉષ્મા.

*
તારા જવાની અસર માત્ર એટલી જ છે..
છવાઇ ગયો છે તું ચોતરફ હવાની જેમ!!
વણરોકાયેલ સ્પંદનો ને વણથંભી યાદોનું..
અવિરત આવાગમન વિસરવું કેમ???
ઉષ્મા.

*
યાદભરી સાંજ તો આથમી જશે ચાલો...
પણ આ બળબળતાં ઝૂરાપાનું શું?
રાત આખી બે કાંઠે જે વહ્યા જ કરે છે..
છિન્નભિન્ન સ્મરણોનાં તરપાનું શું?

ઉષ્મા

8 સપ્ટે, 2010

મારો સજન...

સજન મને ઝૂલો ઝૂલાવે..
આભને આડકવાને આતૂર આ હૈયાને
ફરી ફરી પાછું બોલાવે...સજન મારો ઝૂલો ઝૂલાવે.

પહેલી તે ઠેંસ લેતી પહોચું હું વાદળમાં,
મેઘધનૂ રહેતું જ્યાં લઇ રંગ સાત..
નીલી-પીળી છોળોને આંબવાને જાઉં ત્યાતો..!
રસભરી ધરતી બતાવે...સજન મારો ઝૂલો ઝૂલાવે.

બીજી ઠેંસ લેતાંવેંત તારલીયે પહોચી હું,
એ તો જાણે ટમટમતાં સિંદૂરી સોંણલા..
આ તે કાંઇ તારા? કે છે સજનની આંખળી..!
પ્રિતભરી વાણિ સૂણાવે...સજન મારો ઝૂલો ઝૂલાવે.

ત્રીજી તો ઠેંસે હું ચાંદલીયે પહોંચું છું,
એ તો જાણે મઘમઘતો મોગરાનો ઢગલો..
આ તો એજ મોહકતા! જે મારા સાજનની..!
મદભરી યાદો અપાવે...સજન મારો ઝૂલો ઝૂલાવે.

ઉષ્મા

6 સપ્ટે, 2010

તું આવી શકે..મારા સુધી..

એક છેડેથી બીજા છેડા સુધી
પહોંચવા માટે એક રસ્તો હોય છે...
મારે બીજું કાંઇ નહીં માત્ર તારો રસ્તો બનવું છે..
લીલો-લીલો, હરિયાળો રસ્તો...
જ્યાથી તું આવી શકે..મારા સુધી..હું તારા સુધી.

જો તું ભૂલો પડે તારા રસ્તેથી..તો ઉભો રહી જજે તે જ સ્થાને..
રસ્તો તને લઇ જશે તારા ગંન્તવ્ય સુધી.
ચાલતા ચાલતા થાકી જવાય તારાથી..ઇચ્છા થાય આરામની..
સુઇ જજે નિરાંતે આકાશ ઓઢીને...
હું તારું કવચ બનીને તને સંભાળીશ..

વહેલી સવારે ઉઠ્તાં વેંત નજર કરજે..તારા રસ્તા ઉપર..
ફરકતા ઘાંસની ટોંચ પર,ઝાંકળ બનીને..
મલકાતી જોતી હોઇશ હું તને..

હું સૂરજ હોઇશ..હું પ્રકાશ હોઇશ..
હું તારા સુધી પહોંચવાનો રસ્તો હોઇશ..

તારે એ રસ્તા પર ચાલવું જ પડશે...
એ રસ્તો વ્રુક્ષોથી ઘેરાયેલો..પંખીઓનાં કલરવમાં ખોવાયેલો...
લીલાં-પીળાં સ્વપ્નોમાં આટવાયેલો..
તને લઇ જશે ક્યાંક ને ક્યાંક..જ્યાં તું જવા ચાહતો હોય..
હવે તે રસ્તા પર ચાલ્યા સિવાય છૂટકો જ નથી તારે...
તું યુગોથી ચાલ્યો છે...તે રસ્તેથી
જે રસ્તો પ્રેમનો છે...

ઉષ્મા

26 ઑગસ્ટ, 2010

એ ક્ષણ

તારું-મારું મળવું અને નૈન મળ્યાની ક્ષણ,
મળતાની સાથે જ શરમાતા શરમાતા 
નૈન ઢળ્યાની ક્ષણ..


પ્રથમ નજરે વાતો પ્રણયની થઇ આંખો આંખોમાં,
પસંદગી એક જ મંઝિલની થઇ વાતો વાતોમાં,
થયો પ્રેમ ઘભરાતા ઘભરાતા..
હ્રુદય ખોયાની ક્ષણ..

જોઉ તને, બસ જોતીજ રહુ..સમય ના ખરે,
નિરખે મને, માણું તને..સમય ના ખરે,
કરું એક નજર લપાતાં છુપાતા...
સાંજ ઢળ્યાની ક્ષણ..

દરિયાની ભીની સુગંધી રેતીમાં બેઠાં પાસે..સાથે,
આપી નિશાની પ્રથમ પ્રેમની એક મેકને હાથે,
રહી ગઇ બસ લજાતા લજાતા...
સ્પર્શ કર્યાની ક્ષણ..



23 ઑગસ્ટ, 2010

પાંપણ

આવે જો તુ ખળભળી જાય પાંપણ,
નાચે ખુશીથી ગમ ગળી જાય પાંપણ.

કે આપણી ક્ષણભર મળી જાય પાંપણ,
પછી મારી ઢળી જાય પાંપણ.

આજે ભલે નાદાન સમજો તમે પણ,
હરેક અશ્રુને ગળી જાય પાંપણ.

એ ક્યા વિરહનુ દ્રષ્ય જોઇ શકે છે,
તુ જાય તો અકળાઇ જાય પાંપણ.

જો બેવફાઇની અસર તેં કરી જે,
તુજ દ્વાર લગી આવી વળી જાય પાંપણ.

19 ઑગસ્ટ, 2010

સમ્બન્ધ

પ્યારા મિત્રો,આગળ કહ્યુ તેમ બહુ નાની ઉમરથી લખવાનુ શરુ કર્યુ હતુ.

આજે મારી રચના રજૂ કરુ છુ..શબ્દો થોડા બાલિશ લાગે તો માફ કરજો,
અને હા..તમારા પ્રતિભાવો જરુર આપજો.




જ્યા સ્વાર્થની ભાવના નથી, નથી આવેષની રેખાઓ,
તે જ સમ્બન્ધ છે.

નફરતનો જ્યા નિષેધ છે, છે ચાહત તણા ડુન્ગરાઓ,
જ્યા લાગણીના સેતુનો પ્રબન્ધ છે..તે જ સમ્બન્ધ છે.

ચાન્દનીની જ્યા શિતળ કિરણો છે, છે સુરજ તણી ઉષ્માઓ,
જ્યા પ્રેમનો પ્રકાશ અકબન્ધ છે...તે જ સમ્બન્ધ છે.

દ્રુષ્ટિનો જ્યા પ્રણય છે, છે આખો તણા સપનાઓ,
જ્યા માગણીઓ નજરબન્ધ છે....તે જ સમ્બન્ધ છે.
 પ્રિય મિત્રો,

બહુ નાની ઉમરથી ડાયરી લખવાની આદત પડેલી છે. અત્યાર સુધી ઘણુ લખ્યુ છે..પરન્તુ
તે બધુ મારા પૂરતુ સિમિત હતુ. બહુ ઇચ્છા થતી કે મારા વિચારો મારા મિત્રો સાથે વહેચુ.
આટલા વર્ષે નેટના માધ્યમ દ્વારા આ ઇચ્છા પુરી થતી જણાય છે.

"આભિસારીકા" આ નામ સાથે મે મારા શાળા સમયથી જ એક ખેચાણ આનુભવ્યુ છે. જે
એક સન્સક્રુત શબ્દ છે. તેનો અર્થ "પોતાના પ્રિયતમને મળવા જવાને, સાજ-શ્રિન્ગારથી
સજેલી, આતુર યૌવના" તેવો થાય છે.

એક સ્ત્રી છુ, એટલે શ્રિન્ગાર રસ પ્રિય હોય તે સ્વભાવિક છે. ખરુ ને?

તો બસ, આવો જોડાઇ જાઓ મારી સાથે, મારી આ સ્નેહ, સ્મિત અને શ્રિન્ગારથી ભરેલી
દુનીયામા.

તમારો હુફાળો સાથ અને સહકાર મને નવુ જોમ અને આત્મસન્તોશ આપશે. તમારા દરેક
ગદ્ય-પદ્ય વિચારો,તમારી ટિપ્પ્ણીઓ અહિ વીના સન્કોચે રજૂ કરો અને એક સુન્દર સફરની
શરુવાત કરો. આમેય મિત્રોના સાથ વિના તો દરેક સફર અધુરી જ છે.

મારી દુનીયામા તમારુ હાર્દિક સ્વાગત છે.