મારા વિશે

પોતા વિષે કાઇ કહેવુ...થોડુ અજીબ તો લાગે જ છે..પણ બહુ થોડા લોકો મને જાણે છે, તેથી આ રિતે પુરા વિશ્વ સમક્ષ પોતા માટે કઇ કહેતા આનન્દ પણ તેટલો જ થાય છે. મારા દાદીમાથી વાર્તાઓ સામ્ભળતા-સામ્ભળતા નાનપણથી જ કલ્પનાઓ કરતા અને તેમા વિહરતા શીખી છુ. આજે પણ મને મારી કાલ્પનિક દુનિયા જ વધારે ગમે છે. જેનો સીધો સમ્બન્ધ મારી આન્તરીક પરિસ્થિતિ સાથે છે. જેમ દરેક વાર્તાનો અન્ત સુખદ હોય છે,તેવી જ રિતે મારા દરેક રસ્તા સુખ તરફ જ જાય છે. આમ હુ ખુબ જ હકારાત્મક વલણ ધરાવુ છુ. ક્યારેક નાની-નાની વાર્તા લખી લઉ છુ, તો ક્યારેક એકાદબે પન્ક્તિ કાવ્યની.. એકાદ વાર તો મારી ટુન્કી વાર્તા સ્પર્ધામા પણ મોક્લાવી છે..જોકે તેનુ મને કોઇ પરિણામ કે પારિતોષિક નથી મળ્યુ,પરન્તુ મારા આત્મવિશ્વાસમા જરુર વધારો થયો છે.. મારા દેશ અને મારા પ્રદેશ પ્રત્યે જરા વધારે પડતી લાગણી ધરાવુ છુ.તેના વિશે કૈ પણ નિષેધક સામ્ભળી નથી શક્તી.મારી ભાષાથી પણ તેટલોજ લગાવ છે.. અસત્ય બોલી નથી શકતી અને સામ્ભળી પણ નથી શકતી. મને ઝરમર વરસાદમા પલળવુ ગમે છે..રાતના અન્ધકારમા તારા જોવા ગમે છે.. "દરીયા કિનારે,વહેલી સવારે મારા પ્રિય લેખકનુ પુસ્તક અને સાથે મારુ પ્રિય સન્ગીત" આ મારી પહેલી અને અન્તિમ પસન્દગી છે..અને એજ મારા સુખની ચરમસીમા છે. જેટલુ મારી પાસે છે તેનાથી વધારેની મારી કોઇ ઇચ્છા કે અપેક્ષા નથી.

11 નવે, 2010

પૂનરાવર્તન (ટૂંકી વાર્તા)

માગસરની થોડી ઠંડી અને થોડી આલસી બપોર, આંખોમાં કાંઇક થાકની લાગણી સાથે મીરાં પોતાના આરામદાયી શયનખંડમાં પ્રવેશે છે.સવારનું બીઝી શેડ્યુઅલ,બપોરનું ગુજરાતી હેવી લંચ અને કિચનનું કામકાજ પતાવી આરામના ઇરાદાથી મીરા ડબલબેડ તરફ નજર કરે છે..

અરે! આ શું? ફરી એક ગિફ્ટપેક..? જરુર આ માધવનું જ કામ છે.

મીરા-માધવનાં દશ વર્ષનાં લગ્નજીવનમાં જાણે નવી જ ફોરમ પ્રગટી છે આ છેલ્લા થોડા મહિનાઓથી...મીરા વિચારિ રહી...!

બંને પરિવારની સંમતિ સાથે ધામધૂમથી તેમનાં અરેંજ મેરેજ ગોઠવાયા. સારું ઘર,પાંચ આંકળામાં પગાર મેળવતો મિલનસાર પતિ,સાસરામાં પરિવારને નામે માત્ર એક નાની,વહાલી નણંદ મિત્રા..બસ એક ભારતિય વાતાવરણમાં ઉછરેલી યુવતીને આથી વધારે શી અપેક્ષા હોય.શરુઆતનાં બે-ત્રણ વર્ષો તો જાણે સમયને પાંખો આવી હોય તેવી રિતે ઉડી ગયા.ત્યારબાદ તો નાના બાળક અંશુનું આગમન
આખા ઘરને ખુશખુશાલ કરતુ ગયું.

અંશુનું પાલનપોષણ,ઘરની સારસંભાળ વગેરે મિત્રાની મદદથી સારી રિતે ગોઠવાઇ ગયુ હતું. માધવની સમજદારી અને મીરાનાં કુનેહપૂર્ણ ગ્રુહવહીવટથી આ નાનકડું કુટુંબ સુખી જીવન જીવી રહયું હતું..

પરંતુ કેટલાં મહિનાઓથી મીરા સતત પરિવર્તન અનુભવી રહી હતી,માધવના વર્તનમાં. ઓફિસની જવાબદારીઓમાં બિલકૂલ આઘુંપાછું ના ચલાવતો માધવ ક્યારેક અચાનક જ બપોરે ઘેર આવી મીરા ને સરપ્રાઇસ આપવા લાગ્યો..અંશુને મિત્રા પાસે મુકવાનુ કહી ક્યારેક એક્સ્પેન્સિવ લંચ તો ક્યારેક કેન્ડલલાઇટ ડીનર ગોઠવવા લાગ્યો..
અને હાં..ક્યારેક ગુલાબનું બૂકે તો ક્યારેક સાળી અને નાની નાની સુંદર રિતે સજાવેલી મોહક ગિફ્ટસ તો ખરી જ.

શરૂઆતમાં તો મીરાનાં મનમાં આનંદની છોળો ઉડતી,તે માધવ સમક્ષ તેનો એકરાર પણ ખુશીથી કરતી.પરંતુ આ ખુશીનો અવિરત પ્રવાહ ક્યારેક મીરાને અવઢવમાં પણ મુકી દેતો.
"કેમ માધવ? બહુ પ્યાર આવે છે આજકલ તને તારી પત્નિ પર? ભલે તે મને ક્યારેય પ્રેમની ઓછપનૉ અનુભવ નથી કરાવ્યો, પણ આટલો એક્સ્પ્રેસીવ તો તું ક્યારેય ન હતો! " 

માધવ  ઠાવકાઇથી એક માદક સ્મિત સાથે કહી દેતો.."બસ હમણાં કાંઇ આવું જ કરવાનું મન થાય છે..બહુ રહી લીધું ગંભીર..બહુ થયુ આ જવાબદારીઓનું પાલન..થોડું નિજાનંદ માટે પણ જીવવું જોઇએ ને? એકધારું વહેતું આ તારું-મારું જીવન..તેમાં થોડા નવા રંગો ભરવા જોઇયે તેવું તને નથી લાગતું મીરા? મારે તો આનંદનુ સ્થાન પણ તું અને માધ્યમ પણ તું જ છે.તારી સાથેની આ મીઠી ક્ષણો મને તાજગી બક્ષે છે
મીરા..હું તને ખૂબ ખૂબ ચાહું છુ..એક હળવી ચૂમી મીરાના ગાલે ધરતો માધવ ત્યાંથી
હવાની લહેરની જેમ સરકી જતો.

આવી મઘમઘતી ઘટનાઓ ની ભરમાર મીરાને વહાલ અને આશ્ચર્યથી તરબોળ કરી જતી.દરેક વિચારને દૂર હડસેલી મીરા આખરે બેડ પર આડી પડી.આંખોમાં થાક અને ઉંઘના ભારોભાર પડળ છતાંય મીરાથી ભૂતકાળમાં સરી જ જવાયુ...!

અઢાર વર્ષની ભરપૂર યૌવના મીરા..કોલેજકાળની શરુઆત..મિત્રો અને ફેશનની જાણે કે હેલિ વરસતી જ્યારે ગૌર ગુલાબી રંગ.સુંદર શરિરસૌષ્ઠવ,સહેજ ભૂરી સપ્રમાણ આંખો,લાંબુ કહી શકાય તેવું કદ,મસ્તીખોર સ્વભાવ ધરાવતી મીરા તેના વ્રુંદ સાથે કેમ્પસમાં પ્રવેશતી.
થોડી અભિમાની છતાંય સાલસ મીરા જરીવારમાં લોકોને પોતા તરફ ખેંચી શકવાનું ચુંબકિય બળ ધરાવતી હતી..
પરંતુ તેની પસંદ..બધા યુવાવર્ગથી ઘણી અલગ.
પોતાના સ્વભાવથી વિરુદ્ધ વ્યક્તિત્વ તેની પહેલી ચોઇસ..
કોલેજનાં પ્રથમ વર્ષમાં જ મીરા આકર્ષાઇ પોતાનાથી મોટી ઉંમરના એક પરિણિત પુરુષ તરફ્..

માનસ..!!મીરાની શાળા સમયની અને અત્યાર સુધી સાથે અભ્યાસ કરતી ફ્રેંડ લેખાનો એક નો એક  ભાઇ.બંને વચ્ચે લગભગ બાર વર્ષ જેવી ખાસી ઉંમરનું અંતર..તેની પત્નિ માયા અને ત્રણ વર્ષના પૂત્ર અર્જુન સાથ એશોઆરામનું જીવન બસર કરે છે..પ્રાઇવેટ કંપનીનાં એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેંટના ઉચ્ચ હોદાએ માનસની પર્સનાલિટિને ચાર ચાંદ લગાળ્યા છે.કોઇપણ યુવતીના ડ્રિમબોય જેવું આકર્ષણ માનસની ખાસિયત છે.

મિત્રતાને નાતે વારંવાર મીરાનું લેખાને ત્યાં જવાનું બને તે સ્વાભાવિક હતું..ક્યારેક અલપઝલપ થતી મુલાકાત અને તત્કાળ રચાતું તારામૈત્રક..મીરાનાં મનનાં કૂમળા ભાવ ઉજાગર કરવા નિમિત્ત બન્યું.માનસનાં એકદમ રિઝર્વ્ડ નેચર,ટૂંકમાં વાત કરવાની આદત અને એક મેચ્યોર્ડ ઇમેજ મીરાના મનમાં વસી ચૂકી હતી.
આખરે એક દિવસ મીરાની વાચાળતા તેના પોતાના જ વશમાં ના રહી અને માનસ સમક્ષ નિખાલસ પ્રેમનો એકરાર કરીને જ રહી.

નિયમ છે કે વિરોધી વ્યક્તિત્વ એક્મેક તરફ જરુર આકર્ષાય છે..આ જ નિયમ કામ કરી ગયો બંને વચ્ચે. એક તાંતણે જોડાઇ જ ગયા માનસ અને મીરા.મીરાની નિર્દોષ લાગણીઓ  માનસે માનભેર સ્વિકારી.બસ..પછીતો બંનેનો એક પગ જમીન પર અને એક ઉંચા સ્વપનશીલ આકાશે..શહેરનાં બહુ ઓછા પોપ્યુલર એવા એક કોફિશોપની મૂલાકાતો વધી ગયી..ક્યારેક માનસની ઓફિસ પર અચાનક કોલ કરી મીરા  એનાઉન્સ કરી દેતી.."આજે સાંજે લોંગ ડ્રાઇવ પર જઇશું..મસ્ત મૌસમ છે..હું આવી જઇશ હં શાર્પ એટ સિક્સ'ઓ ક્લોક..ઓકે." માનસ પણ ઓલ્વેઝ રેડી ફોર મીરા..
સાંજ થતાં જ શોર્ટ સ્કર્ટ અને સ્ટ્રાઇપ્ડ ટી-શર્ટ,ખુલ્લા રેશ્મી વાળ અને માદક સ્મિત સાથે મીરા હાજર.લાંબી લાંબી ખાલી સડકો,માનસની કાર અને મીઠું સંગીત..સમયક્યાં વહી જાય તેનું પણ મીરાને ક્યારેક ભાન રહેતું નહી.

"ઓ માનસ! હું તમારી સાથે વિતાવેલો સમય ક્યારેય નહિં ભૂલી શકુ!મારા અત્યારસુધીના જીવનનો આ ગોલ્ડન પિરિયડ છે.હું તમને અંતરનાં ઊંડાણપૂર્વક ચાહું છુ."
મીરા!આટલો નિખાલસ પ્રેમ મેળવી હું પણ ખૂબ ખુશ છું,આટલી મસ્તી આટલી બેફિકરાઇ આ નિર્દોષ આનંદ લાગે છે મારો જીવ લઇ લેશે..અત્યારે છે તે બધું કાલે હશે કે નહિં? વિચારું છું તો મારું હ્રદય એક ધબકરો ચૂકી જાય છે.."માનસ ક્યારેક ગંભીરતાથી કહી ઉઠે છે..
આ સંબંધનું કોઇ જ ભવિષ્ય નથી મીરા..!હું તને કોઇ પણ જાતનો ન્યાય આપી શકવાની કંડીશનમાં નથી..હું પરિણિત.એક સંતાનનો પિતા,તારીમારી ઉંમરમાં કેટલો તફાવત..ક્યારેક લાગે છે કે હું તારી સાથે મારી ખુદની જાતને પણ છેતરી રહ્યો છું.લાગે છે કે પ્રેમમાં સ્વાર્થી બની જવાયુ છે.આ બધું કેટલી હદે યોગ્ય છે મીરા? ના તો હું મારા પરિવારથી વિખૂટો પડી તને અપનાવી શકીશ કે ના તો
તને જીવનભર મિત્રતાના દાવે સાથે રાખી શકીશ.."

બસ બસ હવે!! મારી માટે પણ કાઇ બોલવાનુ બાકી રાખો! મને પણ થોડી ટિપ્પણીઓ
આપવા દ્યો આપણા આ સો કોલ્ડ સંબંધ પર!કહી મીરા સહેજ હોંઠમાં મલકાઇ ઉઠે છે..
મસ્તીનાં મૂડમાંથી પોતાને ખેંચી કારનાં કાંચમાંથી દેખાતા આકાશના ટૂકડા તરફ અપલક તાકી રહે છે.

."માનસ,આ ટૂકડૉ દેખાય છે તમને? બસ, મને આખું આકાશ ક્યાં જોઇએ છે..તમારા જેવી વ્યક્તિનો મને મીઠો સાથ છે તે મારી માટે જીવનપૂંજી છે.હું પણ્ ક્યાં નથી જાણતી કે તમે મારા નથી? આખા નભમાંથી આ નાનો અંશ જ ફક્ત મારો છે તેનાથી હું અજાણ નથી માનસ. મારી આ ઉંમરમાં મને તમારા જેવી વ્યક્તિનો સાથ,મિત્રતા સાંપડી છે તેનાથી મને સંતોષ છે.તે પણ પ્રેમના સ્વરુપમાં.તમે મને સાંચવી છે,મારા ભાવજગતની માવજત કરી છે,. ક્યારેય તમારા હકોનો દૂરઉપયોગ નથી કર્યો.મને પ્રેમની સાથે સાહજિકતા અને સુરક્ષાનું ઉષ્માભર્યૂ વાતાવરણ આપ્યું છે.તમે કદાચ નહી જાણતા હો માનસ! તામારા આ સાથે મને કેટલીય તકલિફોથી બચાવી છે.મારું ધ્યાન ક્યારેય જેવાતેવા યુવાનો તરફ ભટક્યું નથી, અને હા! તમારા આ જ પ્રેમાળ વર્તને મારા મનમાં પુરુષો તરફનો આદરભાવ વધાર્યો છે. તેમને જોવાનો મારો દ્રષ્ટિકોણ બદલ્યો છે..કે પુરુષો માત્ર લોલુપ કે ખરાબ વ્રુત્તિનાં જ નથી હોતા..તેમનામાં એટલી તાકાત પણ હોય છે કે એક તોફાની દરિયાને શાંત સરોવરમાં ફેરવી શકે.જેટલી હૂંફ અને ચાહત મે તમારા તરફથી મેળવી છે તે મારી માટે હંમેશા અમૂલ્યરહેશે માનસ! મને ક્યારેય તમારાથી દૂર થવાનો ભય નથી સતાવતો? હું ક્યાં તમારાથી દૂર થવાની છુ?

પણ મીરા! ભવિષ્યમાં તારે પણ કોઇ સાથીની જરુર રહેશે..જીવનસાથીની..જે જગ્યા હું ક્યારેય નહિં પૂરી શકું? હું એવું ચહિશ પણ નહિં કે મારા માટે તારું જીવન ખાલી રહે..તું એક એવા અનુભવથી વંચિત રહે જે તને પૂર્ણસંબંધોની અને માત્રુત્વની વ્યાખ્યા સાચા અર્થમાં સમજાવે.

નહિ નહિ માનસ..!!એવું નહિ વિચારતા પ્લિઝ..હું જરુર અને જરુર લગ્ન કરીશ..મારે પણ સંપૂર્ણ જીવન માણવું છે..આપણા આટલા સાલસ અને નિખાલસ પ્રેમ ને હું કોઇ જાતનું કલંક નહિં જ લગાડું..પણ એટલું જરુર કહિશ કે મારા આવનારા જીવન પર આજીવન તમારી મીઠી મહોર રહેશે..હું ક્યાંય પણ હોઇશ આટલી જ મીઠાશ પ્રગટાવવાની કોશિષ કરીશ.તમારે કારણે જેમ મારી દુનિયા સતરંગી છે તેવી જ રિતે હું કોઇની દુનિયા રંગરંગી કરીશ..બની શકશે તો આપણી મિત્રતા કાયમ રહેશે અને નહિ તો સંભારણા તો છે જ ને? એકમેકનાં સંસ્મરણોમાં કાયમ મહેક્યા કરિશું,મીઠી યાદ બની ને.ખરું ને?

ઓહ!મીરા,તું આટલી હદે પરિપક્વ હોઇશ તેવી મને આશા તો હતી પણ વિશ્વાસ ન હતો.આજે તારા તરફ પ્રેમની સાથે માન પણ વધ્યુ છે મીરા.આ મારી નાનીનાની પ્રેયસી આજે મને વધારે વહાલી લાગી.સ્ત્રીનું આ અલગ સ્વરુપ!!એકબીજાનાં અંગત જીવનમાં અંતરાય બન્યા શિવાય આ કેવો પ્રેમ મીરા?  અદભૂત!  હું પણ તને ક્યારેય મારા શ્વાસથી અલગ નહિં કરી શકું..આ મીઠાશ આપણા વર્તનમાં કાયમ રહેશે..ભલે આપણે પછી સંપર્કમાં હોઇયે કે નહિ??

હાં હાં બાબા હાં!! જુઓ તો સહી સાડા સાત થઇ ગયા..જલ્દી ચલો ઘર તરફ!
બંનેનાં ચહેરા ઢળતા સૂરજની લાલિમા અને અલૌકિક ખુશીથી રંગાઇ ચૂક્યા હતાં.
કદાચ કુદરતને પણ આ નિષ્પાપ પ્રેમ પસંદ પડી ગયો હોય!


આ છૂપી મૂલાકાતોથી અજાણ માયા પણ લેખાની મિત્ર તરિકે મીરાને પસંદ કરવા લાગી. ક્યારેક મીરા,માયા અને લેખા જાણે હમઉંમ્ર હોય તે રિતે વાતો એ વળગતાં.અવનવી લેટેસ્ટ ફેશન હોય કે કોલેજ દરમ્યાન થતી મજાકમસ્તી,ક્યારેક કરંટ ન્યુઝ તો ક્યારેક માયા-માનસની મજાકભરી દાંપત્યજીવનની વાતો પણ તેમાં સામેલ રહે." તમે જાણૉ છો લેખા! હમણાંથી તમારા ભાઇ એવા તે રોમેંટિક બની ગયા છે કે ના પૂછો વાત? પહેલા ક્યારેય નહિ અને હમણા સન્ડેના મને કહે ; "ચાલ ને માયા આજે એવીજ રિતે લોંગ ડ્રાઇવ પર જઇયે જેમ લગ્નબાદ અર્જુનના જન્મ પહેલાં નીકળી પડતાં!"
સાચુ કહુ મીરા,મને તો એવુ લાગ્યુ કે મારો  પ્રિય પતિ જાણે મારો તાજો પ્રિયતમ બની ગયો!
મેં તો પૂછી જ લીધું..કેમ માનસ? કોઇના પ્રેમમાં છે શુ? તેમનો મૂડ એટલો સારો હતો કે ગાલે એક હળવી ચૂમી ભરી કઇ ગુનગુનાવતા મને ખેંચીને કાર તરફ લઇ ગયા."
ત્રણે સખી એકીસાથે હાથે તાળીઓ આપી હંસી ઉઠી.

અરે ભાભી! હજુ આરામ ફરમાવો છો કે શુ?
બેડરુમનાં ડોર પર ટકોરા પાડતી મિત્રા બેડ સુધી આવી ગયી હતી.
મીરા થોડી ચમકી તંદ્રામાંથી પ્રયત્નપૂર્વક બહાર આવી.
ઓહ!પાંચ વાગી ગયા? મને તો ખ્યાલ જ ના રહ્યો મિત્રા!
પણ હવે જલદી કરો ભાભી..નીચે ભાઇ હોર્ન પર હોર્ન આપી રહ્યા છે..તમને બોલાવે છે..કહે છે ; મીરાને કહે તૈયાર થઇ ઝડપથી નીચે આવે..કેટલી સરસ મૌસમ છે..લોંગ ડ્રાઇવ પર જવું છે.
ફટાફટા તૈયાર થઇ મીરા ભાગીભાગી માધવની સાઇડ સીટ પર ગોઠવાઇ ગઇ.

રોમેંટિક મૂડ,સ્લો મ્યુઝિક અને મસ્ત મૌસમ!!!
બહારના દ્રશ્યો જોતા મીરાને જાણે અચાનક જ કઇ સ્ફૂર્યૂં..

શું આ પૂનરાવર્તન છે??
મીરા અને માયાનાં ચરિત્રોનું?
શું મીરા આજે માયાના સ્થાને છે અને મીરાના સ્થાને કોઇ....???
એક એવું ગંભીર-ગૂઢ-ચિંતાતૂર-કળી ના શકાય તેવું સ્મિત મીરાના હોંઠો પર ફરકી રહ્યું
જેવું કદાચ વર્ષો પહેલા માયાના હોંઠ પર રમ્યુ હશે...!!
 
ઉષ્મા

2 ટિપ્પણીઓ:

  1. વાહ ઉષ્મા દી, ખુબ જ સરસ રચના.. સાચું કહું તો બિલકુલ નથી લાગતું કે તમે પહેલી વાર જ પ્રયત્ન કર્યો છે.. તમારી કવિતાઓ ની જેમ જ ઊંચાઈઓને સ્પર્શ કરતી એક રચના.. :)

    જવાબ આપોકાઢી નાખો
  2. આભાર! તમારી કમેંટસ મને ખુબ પ્રોત્સાહિત કરે છે..પહેલો પ્રયાસ સમજી કઇ ભૂલચૂક હોય તો જરુર જણાવી મને માર્ગદર્શન આપશો..

    જવાબ આપોકાઢી નાખો